trinno grah - Mukta Padya | RekhtaGujarati

તૃણનો ગ્રહ

trinno grah

ઉશનસ્ ઉશનસ્
તૃણનો ગ્રહ
ઉશનસ્

આને વળી કોણ કહે ‘માટી'?

આ તો નર્યા તૃણતણો ગ્રહ મસૃણ!

ક્યાંય જરા કોરી નથી પાટી

તૃણ... એકમાત્ર તૃણ!

શિશુલખી રેખ જેવી કેડી જરા વાંકી

તૃણલિપિ લખવા જ હશે અહીં આંકી,

વૃક્ષતણા વચ્ચે વચ્ચે ગોળાકાર

તે તો જાણે—શિશુલીલા—લીલા લીલા અનુસ્વાર!

તૃણ તણી શિશુલિપિ

થોડી હજી અનઘડ—અણુચીપી;

ધરા નભતણું કેવુંય તે અમી હશે ગઈ પી

(કેવી હશે ઉગ્ર પ્યાસ!)

કે નીકળ્યો જે તૃપ્તિતણો ઓડકાર ‘હાશ’,

તે જ તો આ લીલું લીલું ઘાસ!

ક્યાંક ક્યાંક વચ્ચે વચ્ચે પલ્વલોમાં નીતર્યો છે

અનાવિલ અવકાશ

તે તો જાણે વચ્ચે વચ્ચે ગૂંથી લીધા

નાના નાના નીલમણિ

અને આજુબાજુ અણસીમ પોખરાજી ફ્રેમ મઢી

તૃણતણી!

(૧૧-૮-૬ર)

સ્રોત

  • પુસ્તક : ઉશનસ્ સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 267)
  • સર્જક : ઉશનસ્
  • પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
  • વર્ષ : 1996