o nyuyork! - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઓ ન્યૂયોર્ક!

o nyuyork!

ચંદ્રવદન મહેતા ચંદ્રવદન મહેતા
ઓ ન્યૂયોર્ક!
ચંદ્રવદન મહેતા

ન્યૂયોર્ક, ન્યૂયોર્ક, ન્યૂયોર્ક, ન્યૂયોર્ક!

બાટલ ઑફ સ્કોચ, કૉનિયાગ્ ઍન્ડ ગ્રીક,

મારિટની ડ્રાઈ (અહીં જરા ઊંચે સ્વરે હવેની લીટી બોલો.)

વિથ આઈસ ઈફ યુ ટ્રાઈ;

વિથ મેક્સિન રમ, ઍન્ડ બૂરબોન ઑન રૉક,

લાખ લાખ બોટલના ઊઘડતા કૉર્ક,

ક્યાં ઇંગ્લેંડનું સોસ નાનકડું અસલનું યોર્ક!

એના ચિપ્સ ઍન્ડ ફિશ ઍન્ડ સોસ ઍન્ડ ફોક

અને પૂર્વમાં પાંગર્યું ન્યૂયોર્ક, ન્યૂયોર્ક!

‘ઓ ન્યૂઉઉઉ યોર્ક!’

રસ્તા પર દેખ બે તો રેસ્ટોરેંટેર,

ઓપન એર ચાહીએ તો, નહીં ઓપન એર,

લિફ્ટ ઉપર લિફ્ટ ઉપર ચલે જાઓ કહાં.

મીલી તો ઠીક, નહીં તો માની લો વહાં

ઓપન એર ન્યૂયોર્કમેં ખરીદીની સહી,

ખરીદી કરતે ભી, એર મીલી નહીં!

ભૂગર્ભમાં ઊતરો તો હોટેલના બાર,

બૉટલની મિજલસના વિવિધ આકાર,

ફૂદડીમાં ફરતી છે બેઠકની હાર,

અડધિયા ચન્દરનો અર્ધ ગોલાકાર.

ઉભડકિયા બેઠક પર ગઠિયા અનેક

કેંસાસ ને ટેક્સાસના રાક્ષસી શેક,

વચગાળે એકેકની પડખે છે નાર,

પુરુષના ખભ્ભાનો એને આધાર.

નાનકડા ગ્લાસ મહીં ચળકે છે પ્યોર

નાજુક છે હાથ મહીં ચળકે લિકયૉર.

પિયે જા પિયે જા જામ ઉપર જામ,

પીવાને શણગાર્યાં કંઈક આવા ધામ

એવી છે રંગત અને એવા છે શોખ

ન્યુયોર્ક, ન્યૂયોર્ક, તું એક ન્યૂયોર્ક!

ઝેઝ કહો ઝાઝ કહો, એક હી હૈ બાત,

સંગતમાં ગીત ભળે ખોખરાયલો સાદ,

ઝાંઝ ઉપર પડઘમની ડ્રમડ્રમની ભીંસ,

ઝણઝણતા તાલ ઉપર સરગમની ચીસ,

ઝાંઝ ઉપર ઝાંઝ લયે, ઝમ, ઝમ, ઝમ,

હો હો હો, હા હા હા, એક સરીગમ

ગીત કિયું, થાટ કિયો મૂકોને લપ,

લક્કડની ટપટપી કરે ટપાટપ.

એકેકી એવન્યુ ને આડી છે સ્ટ્રીટ,

સિદ્ધપુરના બ્રહ્મણોની રસોડા રીત.

ઇટાલિયન અસ્પાનિયા મેક્સિકન જાત,

ક્યાંક વળી કોક મળે અમેરિકન ભાત,

રેસ્ટોરે રેસ્ટોરે ભભકભર્યા બાર,

બેઠા ભલે ખાઓ, ગમે ઊભી લંગાર

હારલેમ કે ડાઉન ટાઉન દુનિયાની ચીઝ

માનવની જાત મહીં અવળી હિપીઝ

રુદ્રાક્ષની માળા ફરે, ધંધો વિશાળ—

‘હરે કૃષ્ણ’ ધૂન કરે, નહીં કો જંજાળ,

એલ. એસ. ડી. અંગ ભરી ગાંજો ચરસ,

હરિ હરિ નામ જપે છીપે તરસ,

પિયોજી પિયોજી હરિનામ રસ,

વૈકુંઠ ક્યા જાના યે અહીં મૂલાધાર,

વહાલું છે વ્રજ મને મીઠો સહચાર,

મોજ કહો, કહો, લવનું બજાર,

અનીતિ કે નીતિનો કોઈ પૂછે સાર.

આઈ લાઈક યુ ઍન્ડ આઈ લવ યુ

બોટલ એન્ડ કૉર્ક!

ન્યૂયોર્ક, ન્યૂયોર્ક

તું એક ન્યૂયોર્ક!

હે હો ન્યૂયોર્ક, ન્યૂયોર્ક, વાહ ન્યૂયોર્ક સિટી

નદીઓએ માનહાટન લીધું વીંટી.

(એમાં) મિનાર પર મિનાર પર ઊંચાં ઊંચાં ઘર

દિવસમાં સૂરજ ને શહેર થકી પર

રાખીને કિરણને અળગાં અધ્ધર,

(જેમ) સૂરજને ગ્રસે છે રાહુ ઉપર,

એમ રાહુગણ જેવા થર ઉપર થર

માળ ઉપર માળ ઉપર માળ ઉપર માળ

આડી અવળી ભોંય ઉપર રસ્તાની જાળ

ભોંય ઉપર, ભોંય નીચે, નદીઓની પાર

વકરાતી કતરાતી લાગી કેવી કતાર

ટ્રેન નહીં તો બસ, નહીં તો મોટરની હાર

એક ઉપર એક નહીં તો પાછળ લંગાર

રસ્તા ઉપર દદડતી ભભકની ધાર

આગળ છે ધોળા, જો દીપકની માળ

સરકતી મરકતી મોટરની ચાલ

ટ્રેનોના ડબ્બામાં મોટરની હાર

ચારેકોર જુઓ તો કાર તણો ભાર

રસ્તો છે પહોળો પણ મોટર માય

મોટર જ્યાં ચાલે ત્યાં માનવ ક્યાં જાય!

માનવના કરતૂકે શોધ્યો ખેલ,

મોટર મોટર- મોટરની રેલ,

એક ચલી, એક વળી, સૌ ફરી, સૌ સરી,

એક ફરી સૌ ફરી; મંદીલી જાય જરી

હાઈવે પર માઈલો પર માઈલો ફરી જાય

વાયુ ને વીજ બેને મોટર આંટી ખાય!

ઊંટ જેવી ડોક નહીં, પીઠ મહીં પોલ

લાલ ઊભા પંપ પાસે પીએ પેટ્રોલ.

કાંટાળી આંખ ઉપર લખ્યાં માપતોલ

ભાઈ પીએ કોલા, તો બાઈ કરે કૉલ!

ડૂંડાળા પેટ પાછળ નાક નળી બહાર

ઉનાળા શ્વાસ કાઢે, અટકે લગાર

શ્વાસ ઉપર શ્વાસ ચઢે, કાળોટિયા થર

એથી ઘણાં ઘર મહીં માળિયાં અંદર

શહેર તણાં ફેફસામાં કેન્સરનાં દર!

એમાંથી જીવ સરી માનવ અંતર

સરકીને સર કરે હાડકાંમાં ઘર

એથી તો થેંક ગોડ! ચાલુ છે આજ

કેન્દ્રોની હારમાળા, સંશોધન કાજ

એક દી કરશે કૅન્સરને સર

કહે છે એવો છે ઍટ લીસ્ટ ઈશ્વરને ડર

ન્યૂયોર્ક! ન્યૂયોર્ક, તું ન્યૂયોર્કનું અલબેલું શહેર

ઈશ્વરની તારા પર છે ડોલરની મહેર!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004