bhuleshwarman ek raat - Mukta Padya | RekhtaGujarati

ભૂલેશ્વરમાં એક રાત

bhuleshwarman ek raat

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
ભૂલેશ્વરમાં એક રાત
રાજેન્દ્ર શાહ

કેવી અહો મસૃણ સેજ!

(રેશમી સંસ્પર્શ!)

શીળી લહરી સમુદ્રની!

આવાસમાં એકલ,

બંધ પાંપણ

અને પ્રતીક્ષા લય-લા’ સુષુપ્તિની.

વાજે ટકોરા દશ,

શેન આરતિ

તણાં દદામાં ચહુ અર મંદિરે.

તહીં પૂરે-વૉલ્યુમ રેડિયો ધ્વનિ,

ભૂકંપ

(ના શેષ ચળ્યો છતાં તે!).

નિશીથ (તે શી દલિતા)!

ઘરર્ઘર

જ્યાં લોહનાં ચક્ર ભમંત

(કામના).

આસ્ફાલ્ટને મારગ અશ્વ ડાબલા.

અરે કુરુક્ષેત્રની સૌ ભૂતાવળ!

ક્ષણેકની શાન્તિ? નહીં,

ભાગ્યમાં.

ઓરડો તે

અપકવ ખોરાક ભરેલ હોજરી

સમો,

જહી ઉંદરની દડાદડી.

શો રાત્રિનો અવશિષ્ટ યામ!

છીંડી મહીં બે રડતાં બિડાલ

અને જનારાં જન...

‘લા ઈલાહ... !’

રે નીંદ મોરી!

ઊભી બજારે કરી જાય પ્રેમ

એવી મૉડર્ન.

શી લાજ! ભીરુતા!

આલોક શબ્દ નહીં,

અબોલ

અંધાર એને ગમતો અકેલ!

રે નીંદ મોરી!

તો હવે બ્રાહ્મમુહૂર્ત,

નેપુર

આરે થકી આવતી દૂધવાળીના

ને ભૈરવી તર્જ વિશે વણાય

જે ઊઘડેલા દર શાકબાજીના.

માથે લઉં ઓઢણ,

યત્ન અંતિમ

(આંખે દીધા હસ્તથી ના ટળે ભય);

ત્યાં

બારણે બેલ,

જરા ઉઘાડથી

ટાઇમ્સ,

તારીખ નવી,

નવો યુગ!

સ્રોત

  • પુસ્તક : સંકલિત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 231)
  • સર્જક : રાજેન્દ્ર શાહ
  • પ્રકાશક : જયવદન તક્તાવાલા સાંસ્કૃતિક પ્રવૃત્તિ
  • વર્ષ : 1983