abhisar - Mukta Padya | RekhtaGujarati

રાતની સાથે અમે ચાલ્યા કર્યું,

પગલાં પરે પગલાં મૂકી

ત્યાં હાડપિંજર-શો પવન

બેબાકળો પાછળ ધસ્યો

ભાંગી ગયેલી ખોપરીના

અધખૂલા જડબા મહીંથી આવતો

શો શીત સૂકો શ્વાસ!

એના અગોચર ભુજ

ચારે કોર બસ પ્રસરી રહ્યા

ને હાસ્યના શા કારમા પડઘા પડ્યા

ખખડી ગયેલાં તાડવૃક્ષોનાં સુકાયેલ પર્ણમાં.

ફટકી ગયેલી આંખ એની જોઈને

થંભી ગઈ, થીજી ગઈ

ફિક્કી પડી રાત

કંઠમાં આવી ગયેલી ચીસ એની

પંખીના નવજાત શિશુની

વણખૂલેલી ચાંચમાં પોઢી ગઈ.

ને હાડકાં સંધાં ખૂંચ્યાં

કે લોહીના ટશિયા ફૂટ્યા

ને દાંતમાં લપક્યા કરી

યુગયુગોની લાળ

તો બધું ચાલ્યા કરે

ચાલ્યા કરે કાળ

સ્રોત

  • પુસ્તક : કિમપિ (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સર્જક : અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
  • પ્રકાશક : આર. આર. શેઠ
  • વર્ષ : 1983