te diwso - Mukta Padya | RekhtaGujarati

ખરીએ ખૂંદે બળદ છાણ માટી ને ખડ

કિચૂડ કોસ ઠલવે પાણી કુંડીમાં

વહેતું પાણી ધોરીએ તે પહોંચે ઠેઠ ક્યારામાં.

પાણી ભેળી તરતી જાતી હાલકડોલક મારી કાગળ-હોડી.

થાતું, હોડી ક્યારામાં ફૂટતા ફણગો રોપાશે.

ફણગો ફૂટી તરણું થાશે/થાશે લીલમલીલું છોડ મજેનું.

મજેનું થાતું મનમાં - કાગળ - હોડી થાશે તરાપો/ થાશે નાવ

થાશે ફણગો ફૂટી હોડી થાશે આગબોટ ક્યારામાં ક્યારે

ક્યારે ફરશું મધદરિયે

ક્યારે થાશે હરતીફરતી રમતીભમતી મધદરિયે આગબોટ

ક્યારે ક્યારેનું રણ અટક્યું ક્યારે

જાણ થઈ ના કાંઈ

રોંઢા ટાણે બળદ છુટ્ટા

થાય છુટ્ટા બાપુ પણ

કિચૂડ કિચૂડ અટકે

ને ક્યારા વચાળ પાણી પડછાયો

તરતો તરતો જોઈ રહું

ત્યાં બાપુ આમળે કાન અમથો

ભરે ચીમટી ચપચપ એકબે અમથી

હું ભીની આંખે દેખું

મારી કાગળ-હોડી ગરકગોથું ખાય પાણી વચાળ.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 242)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004