polonan jangloman - Mukta Padya | RekhtaGujarati

પોળોનાં જંગલોમાં

polonan jangloman

મણિલાલ હ. પટેલ મણિલાલ હ. પટેલ
પોળોનાં જંગલોમાં
મણિલાલ હ. પટેલ

કૂંપળની ભાષામાં

જંગલ બોલ્યું

તન તરણાંનું ડોલ્યું

ઝરણાંએ મોં ખોલ્યું

કેશ કર્યા છે ખુલ્લા કોણે? જંગલ વચ્ચે રાત પડી

ચાંદો પ્હેરી કોણ ગયું કે રસ્તે રસ્તે નક્ષત્રોની ભાત પડી!

ઢાળ ઉપરથી દદડે પ્હાડ

ઝિલવા ઊભાં ઝાડ

કાળું જંગલ

ઊંડાણોમાં નાખે ત્રાડ

આભ ઊતરતુ કોણ નીતરતું ?

ખીણ વચાળે વાદળ તરતું

જ્યોત સમી ઝળહળતી કેડી ઉપર

દમયંતિનાં મત્સ્ય સમાણું

ભીતરમાંથી કોણ જાય સરતું?

ભારે પગલાં ભરતું!

કાળાં વાદળ વચ્ચે ઊડે રાજહંસની જોડી,

ચૌદ ચૌદ વર્ષોની સૂની ઊર્મિલાની

એકલતાને કોણ ગયું અહીં ખોડી?

હરણાં ઝરણાં તરણાં ચાલે

જંગલ વચ્ચે જંગલ મ્હાલે

ગંધ ઘૂંટાતી પગલે પગલે

શ્વાસે શ્વાસે અરણ્ય ફાલે

પવન પાતાળો વનરાજીમાં બૂડે

ઘ્રાણ મહી મ્હેંકાતી મઘમઘ

કેશરાજીઓ ઊડે!

જળવેલાને પરપોટાનાં ફૂલો

આંખો ઉઘડી શતસહસ્ર કન્યાઓની

લીલપનાં અજવાળાં ઝૂલો

હવા મહીંથી કોનું કહેશો હરણ થયું છે

લક્ષ્મણ રેખા ભૂંસી કોણે?

જંગલ વીંધી રાતું રાતું કોણ ગયું છે?

પહાડો વીંધી જંગલ નીકળે

કલરવ પહેરી કિરણો નીકળે

વૃક્ષે વૃક્ષે વાચા ફૂટે

ત્રાડ થકી પાતાળો તૂટે

સૂકાતું સૂકાતું જળમાં ખૂટે છે કોણ!

ટહુકો થઈને પંખીમાંથી છૂટે છે કોણ!

પૂર્વ દિશામાં રાતો સળગે ફાગ

તરુવર તરુવર કોણે મૂકી આગ?

પશ્ચિમમાં પીળા ગરમાળા ઝૂલે

શીમળાઓમાં કોની કાયા–

હિમદિશા થૈ ખૂલે!

દક્ષિણમાં બાવળિયા બળતા

વૃક્ષ વૃક્ષે દિવસો ઢળતા!

ચિત્કારો ફળફળતા!

યુધિષ્ઠિરના પીતાંબર શો તડકો વરસે

કરાડ કોતરે કાન માંડીને સાંભળીએ તો

બાર વરસનાં વનવાસીઓ કણસે

અયુત વર્ષનું મૌન સત્યને તરસે!

શિલ્પો ઉપર ઊગ્યા પીપળા અઢળક

નગર હતું ક્યાં? ક્યાં ગઈ ખલક?

સદીઓ પ્હેરી ઊભાં ઝાડ, ઘટાઓ,

સૂરજને સપડાવે ભરચક જાળ-જટાઓ!

લીલી કથ્થાઈ મ્હેંક

શ્યામ વાદળી ગ્હેક

નદીઓ દર્પણ!

વેરણછેરણ પડયા પાળિયા

ક્યાં છે ખાંપણ?

ફૂટી ગયું સ્વ-અર્પણ?

‘વનપર્વ-’નું વંન દીસે આ!

કોનો વિરહ હજી ભીંસે આ?

કેટકેટલા કાળ તણો અહીં હ્રાસ રઝળતો

ક્યાંક ઘટામાં

ક્યાંક ગર્ભમાં

સદીઓનો ઈતિહાસ રઝળતો!

‘લીલો ઘોડો ઊડી ગયો ને પડી રહી તલવાર’

કંઈ યુગો થયા ને કંઈ યુગોથી

જંગલ વચ્ચે જંગલ વરસે અનરાધાર!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 403)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004