gay mari gai bai mari gai - Mukta Padya | RekhtaGujarati

ગાય મરી ગઈ બાઈ મરી ગઈ

gay mari gai bai mari gai

હિંમત ખાટસૂરિયા હિંમત ખાટસૂરિયા
ગાય મરી ગઈ બાઈ મરી ગઈ
હિંમત ખાટસૂરિયા

ગાય મરી ગઈ

અરે મરી ગઈ

ભર બજારમાં લથડી લથડી

ભૂખે પેટે તફડી તફડી

પેટ પાંસળાં ચોંટેલા લઈ

પોળ પોળમાં રખડી રખડી

અરે, રામ છેવટે જુઓ

ગાય મરી ગઈ

અને જુઓ

મંદિરમાંથી સરઘસ નીકળ્યું

ધજાપતાકા ઢોલ ધડૂકતા

અબીલ-ગુલાલે ગાય મરેલી

ઢંકાઈ ગઈ

ને અંતિમ સંસ્કાર કાજ

લો ચાલી જાતરા

ઘડી જીવનની આજ સફળ થઈ

મહાજન ઉમટ્યું

બજાર સઘળી બંધ કરીને

રામધૂનની રમઝટ જામી

ધૂમ મચી ગઈ

ધરમ નામની ધૂમ મચી ગઈ

કાળાં નાણાવાળા આવ્યા શેઠ કરમચંદ

દૂધ પાણીને ભેળવનારા

ને લોકોને છેતરનારા

ધરમદાસ પણ આવી પહોંચ્યા

વ્યાજે જેણે ઘર ડોલાવ્યાં

ખેડૂ કેરા ખેતર માંડ્યાં

વીરચંદજી યે જોડાયા

અને ભગત જેને ત્યાં

સાચોસાચ પાપ સૌ નાચ કરે છે

સૌથી આગળ સરઘસ માંહે

રહ્યા ચાલતા

ઝૂલે રેશમી ઝબ્બા પર

શાલ કાશ્મીરી

રાધેશ્યામ તણી સૌ માયા

રાધેશ્યામ તણી સો માયા.

અરે મરી ગઈ

કૂવો પૂરી ગામ બધાને

હાય અરે હેરાન કરી ગઈ

ઘણી બિચારો રઝળી પડ્યો હો

રોજી એની તૂટી ગઈ’તી

ઘેર હાંડલી પણ નહોતી રહી

હાય! બિચારાના જીવનમાં

આઝાદી ના ક્યાંય વસી ગઈ

રોજી તૂટી રોજી ખૂટી

અને એક ઓરતની ઇજ્જત

શેઠ તણા શેતાને લૂંટી

ઘેર ભાખરી એકે નહોતી

હાથ ચાકરી ક્યાંયે નહોતી

ભૂખ્યા બાળક ભૂખી માતા

કામ ગોતતી રોતી રોતી

ભમતી થઈ’તી હાથ પડી ગઈ

ટીલું તાણી બેઠેલા એક

શેઠ પુત્રને હાથ પડી ગઈ

અને મરી ગઈ

બાળક લઈને

બે બાળકની માત મરી ગઈ

કૂવો પૂરી

ભૂખે અહીંયા લથડી લથડી

હૈયે રોજે ફફડી ફફડી

પડતી મારગ ખાતી ચકરી

જીવન કેરો રાહ ચૂકી ગઈ

અરે મરી ગઈ એક મજૂરણ

ભારત કેરી એક મજૂરણ

નહિ મંદિરે સરઘસ નીકળ્યું

નહિ શેઠનાં હૈયાં હાલ્યાં

નહિ ભગતને ભાવ ઊમટ્યા

દેશ તણી દૂબળી દુહિતાને

ચોગરદમ છે આગ ફરી ગઈ

ગાય મરી ગઈ!

હાય! બિચારી ગાય મરી ગઈ

બાઈ મરી ગઈ!

હાય! બિચારી બાઈ મરી ગઈ!

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સંપાદક : ગણપત પરમાર, મનીષી જાની
  • પ્રકાશક : ગુજરાત લોકાયન
  • વર્ષ : 1981