patro - Mukta Padya | RekhtaGujarati

કવિ:

...બસ ચૂપ રહો, નહીં તો અહીંથી ચાલવા માંડો!

તમે બોલ્યા વિના રહેશો નહીં,

તો જાઓ માનવમેદનીમહીં

‘દીનતા-દારિદ્ર’ પર ભાષણ ભલેને લાખ ભાંડો!

એ તમારા નાટ્યના સૌ નટ અહીં જોતા નથી જાગી જશે!

આંખો મીંચીને કંઈક એ શોધી રહ્યાં,

વાણી વિના પણ કોઈને એ કંઈક સંબોધી રહ્યાં;

ત્યાં ચૂપ જો રહેશો, નથી શું લાગતું

કે એમનું મૂંગું હૃદય જે માંગતું

એ હાથ પણ લાગી જશે,

ને જો અગર રહેંશો નહીં તો સ્વપ્ન જેવું સ્વપ્ન પણ

ભાંગી જશે?

ફેરિયો:

જો કે મને સૌ ફેરિયો ક્હે છે છતાં ફરતો નથી,

પણ એમ તો મારું નસીબે ક્યાં ફરે છે?

એટલે આ ભીંત પણ કયારેક તો મારી હવે ઈર્ષા કરે છે.

હું ફર્યાથી એમ તો ડરતો નથી,

ફરવું જ મારે હોય, સોનાપુર

અહીંથી માત્ર છે બસ સો જ ડગલાં દૂર,

પણ મરતો નથી.

હું સાત વરસોથી અહીં આ ભીંતને ટેકે

ઊભો રહું છું, દિવસ ખોયો નથી એકે;

પુરાણી એની એ આ ભીંત,

મારે એક એની પ્રીત,

ને તો પણ અજાણી આજ લાગે, આજ પ્હેલાં

માત્ર જાણે સ્વપ્નમાં દીઠી;

હજુ ગઈ કાલ સુધી જે અદેખી, એ હવે આડું

જુએ જાણે થતું એને અહીંથી ચાલવા માંડું;

ધરે વરસોવરસ એવી ચૂનાની એ ચમક મીઠી,

અને વરસોવરસ કેવું કરચલીથી વધુ ચીતરાય આ ચાડું!

અરે, આ ભીંત પર હું ઝાડ થૈને શીદને તે ના ઝૂક્યો?

સાતે વસંતો વહી ગઈ ને ફૂલ હું નાહક ચૂકયો!

આંધળો:

કે શું હજુ હું ગર્ભમાંથી નીકળ્યો ના બ્હાર

તે મારા જનમને કેટલી છે વાર?

કે શું ઝાળ પણ જંપી ગઈ છે ચેહમાં

તે હું હવે વસતો નથી મુજ દેહમાં?

તે કંઈક એની આંખથી આ આંખમાં છે ભૂલથી જોવાઈ ગયું?

જેથી અચાનક આમ મારું તેજ બસ ખોવાઈ ગયું.

મેં આ જગતની કેટલી કીર્તિ સુણી'તી સ્વર્ગમાં તે

આવવાની લ્હાયમાં ને લ્હાયમાં.

હું કીકીઓ ભૂલી ગયો ત્યાં કલ્પદ્રુમની છાંયમાં!

ત્યારે જગતનું રૂપ જોવાનું મને કેવું હતું સપનું!

હવે ચશ્મું થવા ચાહે સળગતો આ સૂરજ રે તોય શા ખપનું?

ઊંચે માથું ઉઠાવી આભ સામે પણ હવે ધરવું નથી,

આ એકમાંથી એ બીજા અંધારમાં સરવું નથી.

ને કોણ કહે છે ચન્દ્રસૂરજતારલા એ સૌ જલે?

એ તો પલક અંધારનું હૈયું હલે!

મેં જોઈ લીધો છે જગતના સાર

કે અહીં તેજની ભીતર વસ્યા અંધાર.

હું તો નીંદમાં ચાલી રહ્યો, ફિલસૂક છું, એવું કશું ક્હેશો નહીં;

તો આંધળો છું એમ કહીને આંધળા રહેશો નહીં!

ભિખારી:

આ હાથ જે સામે ધર્યો

એ હાથને ઘડનારનો પણ હાથ

એના જેટલો લાચાર ને પામર ઠર્યો,

ત્યાં કોણ કોને આપશે રે સાથ?

કરશે કોણ કોની બંદગી?

આ વણહસ્યે ગુજરી ગઈ છે જિંદગી,

એમાંય હસવાનું મને એકાદ તો જો કે મળ્યું બ્હાનું,

પ્રભુનો કેટલો તે પાડ માનું?

ક્હો તમે એણે ઘડ્યો આ હાથ

જેણે આ જગત સરજ્યું? જગતનો નાથ

ક્હો છો? આ જ ને એનું જગત કે હું ય તે જેમાં વસું?

ને તે છતાં તે ‘ના’ કહો તો નહીં હસું.

‘હા’ તો તમે કયાંથી કહો? જ્યાં હાથ મેં સામે ધર્યો

તેવા જ તે નન્નો સર્યોં!

પણ ચન્દ્રસુરજતારલા

હું આ હથેલીમાં રમાડું, કોઈ તો આપો ભલા!

જે કેમ કે હું કયારનો એમાં વહું છું કેટલાયે ભારને,

સૂનકારને.

વૈશ્યાઃ

હું તો ભવોભવ સ્ત્રી હતી,

ને કોઈ ભવમાં સતી;

આજે હવે? જાણે નનામી,

કોઈ રાધા ક્હે વળી તો કોઈ રામી!

દેહ છે, દેખાવડો? એ તો ઉપરની છે સુગંધો;

લાગણી? લટકાં કહો, ને ચાલશે ક્હેશો અગર જો માત્ર ધંધો,

લોક તો કૈં કૈં મળે છે, નિત નવા;

પણ હા, મળે છે માત્ર સૌ ભૂલી જવા.

દિનભર ન જોતું કોઈ મોં સામું,

છતાં રાતે ન રહેતુ કોઈ સરનામું,

તમે વાળ્યો હશે ક્યારેક કાગળનો ડૂચો,

ટાળ્યો હશે જે બારીએથી બ્હાર, રસ્તા પર;

પવનને પ્યાર તે પાડે-ઉપાડે જે કદી નીચો કદી ઊંચો;

કહોજી કેટલા છ સસ્તા દર!

સલામત છે તમારા મ્હેલની ભીંતે

મઢેલી કો છબી જેવી કુંવારી કન્યકા નિત્યે;

અમારી જાત જીવે છે, પ્રભુની મહેરબાનીથી

સદા જીવશે જ ધરતી પર,

નજર સૌ નાંખશે ને ત્યાં લગી તો રોજ ‘ફરતી’ પર?

પતિયોઃ

પણે સૌ લોકની નાજુક પાની એંઠને ઓળંગતી, અડતી નથી;

ને એમ એ સૌની નજર મારી પરે પડતી નથી.

દખ્ખણુ ભણી? ના, એ દિશા તો જમતણી;

શું એમ માની કોઈનું મોં એ ભણી રહેતું નથી?

એ તો હવે પથ્થર, હવે શાનો મણિ?

શું એમ માની કોઈ ખરતા તારલાને લેખમાં લેતું નથી?

મુજ બોલને પણ કોઈ કાને કેમ નહીં ધરતું હશે?

આ બોલની ચોપાસ

વીંટળાઈ વળ્યો છે રોગિયાનો શ્વાસ

તે એથી જતું ને આવતું આ લોક શું ડરતું હશે?

આ હવા પર એમનું કૈં ચાલતું જો હોતને

તો શ્વાસ કયાંથી હોત મારા પ્રાણમાં?

પણ એમ તો કોણે જીત્યું છે મોતને?

ને આ હવાએ કોઈનીયે વાતને કયારે લીધી છે ધ્યાનમાં?

આ લોક તો લાચાર (ને કયારે ન'તા?)

ને શી હઠીલી છે હવા, હું એટલે જીવી રહ્યો.

કોહી ગયું છે પોત કાયાનું છતાં

મજબૂત એ બખિયા વડે સીવી રહ્યો.

સ્વગતોક્તિઃ

મૅરિન સ્ટ્રીટ, પડખેથી આંધળો પસાર થાય છે, એને જોઈને ફેરિયો:

આ આંધળો છે તે છતાં

ફરતો ફરે છે બેપતા!

ગિરગામ રોડ, પડખેથી ભિખારી પસાર થાય છે, એને સાંભળીને આંધળોઃ

આ કોણ છે? જેની નજર તોફાન મચવે,

હ ને હથેલીમાં રૂપાળું આ જગત નચવે!

કોલાબા, પડખેથી વેશ્યા પસાર થાય છે. એને જોઈને ભિખારી:

અરે, આ દેહ પર છે કેટલી દોલત!

દસમા ભાગની મારી કને જો હોતને તો આમ ના બોલત!

ઍપોલો, પડખેથી પતિયો પસાર થાય છે, એને જોઇને વેશ્યાઃ

અહો, શી ખુશનસીબી! કોઈનીયે આંખ જયાં રોકાય ના,

છૂરી સમી ભોંકાય ના!

બોરીબંદર, પડખેથી કવિ પસાર થાય છે, એને જોઇને પતિયો:

વેશ્યા, ભિખારી, આંધળો ને ફેરિયો,

ક્હો, કેમ લાગે છે મને સૌ આ જનમનાં વેરીઓ?

મધરાત, એકાંતમાં એની કાવ્યપોથીમાં કવિ:

બસ ચૂપ, નહીં તો અહીંથી ચાલવા માંડો...

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989