Mangalfera - Mukta Padya | RekhtaGujarati

મંગળફેરા

Mangalfera

યોગેશ વૈદ્ય યોગેશ વૈદ્ય
મંગળફેરા
યોગેશ વૈદ્ય

આવ અહીં તું

બેસ નિરાંતે

કામ-બામની ચિંતા-બિંતા છોડ

કચરા-પોતાં, ઢાંકોઢૂંબો

છોડી દે તું

સાવરણીને ફેંક કૂવામાં

ફરસ પર ધૂળના થર પર થર બાઝે

તો છોને બાઝે!

ફળિયું-બળિયું વાળીશ મા તું

ઊગી જવા દે

ચોગમ લીલું ઘાસ.

ફરીથી વગડો છોને થઈ જતું

ઘર.

આવ

નિરાંતે બેસ.

લાવ હથેળી તારી

તેમાં ઠામ ઊટકતાં પડી ગયેલા કાપા વચ્ચે

આલાલીલો લેપ લગાવું

વર્ષો પહેલાં

ગુમ થયેલા પાંચીકા

શોધીને પાછા આપું.

અટારીએથી

ચાંદો લાવી

ધ્રૂજતા તારા હાથ વચાળે મૂકી

માથે

હળુક દઈને હાથ મૂકી દઉં મારો.

ફરીથી મંગળફેરા ફરીએ.

દૂર દિશે ઊઘલાતાં ગીતો ઓઢી

ઊભી જાનડીઓ કંઈ.

ડૂબી જવા દે ઘરને

ઊભા ઘાસ વચાળે

ઊગી જવા દે

પીપળો ઘરની ફરસ ફાડતો.

કાલ કદાચિત્

નવું-નવેલું જોડું

ફળિયાની વચ્ચે આવી ઊભશે.

બારસાખ પર થશે પોંખણાં

તોરણ લીલાં થાશે.

ત્વરિત કછોટો વાળી

કોઈ ફરસ વાળશે ઘરની.

ધોઈ-ધફોઈ કરશે

ચોખ્ખું ચણ-ચણ પાછું ઘરને

ત્યારની વાત

આજ તો

આવ, નિરાંતે બેસ.

સ્રોત

  • પુસ્તક : ભટ્ટખડકી (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સર્જક : યોગેશ વૈદ્ય
  • પ્રકાશક : ઝેન ઓપસ, અમદાવાદ
  • વર્ષ : 2023