sagaD - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સગડ મળ્યા છે

રૂખડ રુધિરના,

કાચા હીરના, સગડ ગીરના.

છીપર તળેથી નીકળી

ખળખળ હિરણ બની તે ઝર્યાં નીરના

સગડ મળ્યા છે.

ઝાકળભીના કેડે થઈને

આખે પંડે હૂકતો હૂકતો ડાલામથ્થો

ગયો બીડમાં હમણાં.

સિંહના તાજા સગડની માથે

ગીરનો ઊગતો સૂરજ

એનો તાંબાવરણો હાથ ફેરવે.

અને ખેરવે ઝીણી મંજરી

સાગ ઊભેલા.

હો ગોકીરો કરી ઘડીકમાં

મૂંગામંતર થાય પહુડાં.

સીટી વગાડી પતરંગો

જંગલની ખૂલતી આંખોમાં

રણઝણવું આંજે.

ઘુવડ ચીબરી બખોલ સાથે

આઠ પગાળો કરોળિયો

દરમાંથી નીકળી જાળાનો કબજો સંભાળે.

પ્હેલવારકો સા નીકળ્યો હો જાણે

કોઈ દૂર દિશાના જંતરમાંથી

એમ દૂધની શેડ ઝીલતાં

પિત્તળનાં બોઘરડાં રણકે.

આળસ મરડી ઊઠ્યા નેસને ઝાંપે ઘમક્યા

ઘમઘમ ઘૂઘરા

ડચકારામાં વહેવા લાગ્યું ધણ ગાયોનું

શિંગડીઓના ઢળ્યા વળાંકે

ઝૂલતા કાને સગડ મળ્યા છે

સગડ નેસના, ભગર ભેંસના

ગીરની સોનલ ધૂળનું ઝીણું ભરત ભરેલી

પછેડીઓને ચડતા વળના

સગડ મળ્યા છે

ક્યાંક દીપડો ઝાડ ઉપર જઈ પંજો ચાટે

શિયાળવાંઓ પૂંછ હલાવી હવા સૂંઘતાં મુડદાલ ગોતે

ક્યાંક શેઢાહી ફરવા નીકળી રૂમઝૂમ રૂમઝૂમ

ક્યાંક સુકાયેલ પાન વચાળે સરકી જઈને સંતાયું કંઈ

ક્યાંક કોઈ એકાદ પહુડું પગને ખોડે

ત્યાં તો આખી ચિત્તલ ટોળી રઘવાઈ થઈ ફાળ ભરે ઓચિંતી.

દૂર કરમદીના ઢૂવામાં સિંહણશાવક બચબચ ધાવે

હજુ ખૂલ્યાં છે માંડ પોપચાં બીડી આંખનાં

ઊગી રહ્યું છે હૂકવું એનું ઋજુ ગળામાં

બરછટ જીભે ચાટે સિંહણ બચોળિયાંને.

જ્યારે ઢૂવા બ્હાર નીકળશે કેસર-બચ્ચું

ઊભા ઝાડને નખોરિયાં ભેરવશે ઠાલાં

મારણ શીખશે, મોટું થાશે,

બની પાઠડો પૂંછડું ઝંડો કરશે જ્યારે

હાથણ જેવી ભેંસને કરશે ભોં ભેગી બસ એક થાપે

ચીરશે એની ત્રાડ ગીરના નિશ્ચલ નભને.

હૂકી હૂકીને ગીર ગજવશે ઊભા બીડમાં એવું

શાણાં સસલાં ઝબકી જઈને લપાઈ જાશે

ઊભાં રોઝડાં કંપી જાશે

સાબરશિંગાં કંપી જાશે

કંપી જાશે નીંભર લય જંગલનો ક્ષણભર

કંપનના સગડ મળ્યા છે

સગડ મળ્યા છે

અજગરના મૂંગા ભરડાના

ગૂંગી ચીસના સગડ મળ્યા છે

સગડ રાફડે ઊઘલી ઊઘલી

જંગલને કરકોલ્યા કરતી ક્રોડ ઊધઈના

સમળી થઈ જંગલની માથે ઘૂમતા ભયના

સગડ મળ્યા છે

સગડ હજારો કૂખે ઊજર્યા હરણબાળના

સગડ નીડમાં ઈંડે ફાટ્યા કલબલાટના

ખૂણેખાંચરે અણોસરા થઈ સડતાં રહેતાં હાડચામના

સગડ મળ્યા છે

સગડ ધૂળના, સગડ મૂળના

સગડ કાચબાઢાલે

ભૂખરી તારકભાત થઈ ઊપસેલી ગાંડી ગીરના

સગડ મળ્યા છે

સગડ મળ્યા છે.

(૯-૧૧/૧૦/ર૦ર૧)

સ્રોત

  • પુસ્તક : ભટ્ટખડકી (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સર્જક : યોગેશ વૈદ્ય
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2023