Abalkha - Mukta Padya | RekhtaGujarati

ઊતરડી લ્યો

શેરીમાં ઢાળ્યા ડામરને.

કૂણી કૂણી ધૂળ મને દ્યો આલી

ફૂલ પગલીયુંનાં વીણી લઉં!

છૂંદાયેલી બધી ઘોલકીમાં વીખરેલો

સુંવાળો ભંગાર કરી લઉં ભેળો.

ઢળી પડેલી ઊભે મારગ

રમત્યુંની વેલ્યુંનાં મૂળિયાં

હડી કાઢીને હાથ કરી લઉં.

પ્રેત સમો ખોડાયો છે તે

ખેંચી કાઢો લોહથાંભલો–

સંકેલી લ્યો તાર.

મઘમઘતે અંધારે ચાખું

મૌનપાંદડી મીઠી!

ને...

શેરીના ખૂણે ખડકેલા

રંગીન પથ્થરના ઢગલાને

લિયો ખેસવી.

લાવી દ્યો માટીને માટીની ભીંત્યું

ઊગમણું ઝીણું જાળિયું ભીનું

આવરદાનું સુક્કું ખેતર

હાશ, કરી લઉં લીલું!

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑગસ્ટ, 1968 (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ