hun tekrio, bheent ane limDo - Mukta Padya | RekhtaGujarati

હું ટેકરીઓ, ભીંત અને લીમડો

hun tekrio, bheent ane limDo

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયા
હું ટેકરીઓ, ભીંત અને લીમડો
મનોજ ખંડેરિયા

રોજ સવારે

ઘરની સામે બેઠી બેઠી ટેકરીઓ

હરિયાળી થઈને ફરકે ત્યારે

ઘરની ભીંતો મૂંગી મૂંગી ટેકરીઓને નીરખે

ટેકરીઓને ઝંખે

ટેકરીઓની કેડી વાંકીચૂંકી

ઝાડઝાંખરે છાઈ એવી

જાણે કેડી પર આવીને ઊભું

કોઈ ઘટાટોપ જંગલ

જંગલને તો કેમ કરીને કાપે ભીંતો?

ભીંત બિચારી ચરણ વગરની.

ચરણ હોય તો કાંટો વાગ્યો કાઢી શકીએ

ચરણ હોય તો પર પાટો બાંધી શકીએ

ચરણ હોય તો...

મનમાં એમ વિચારી ભીંત નિસાસો કાઢે

ભીંત નિસાસે બળતા પથ્થર

પથ્થરની બળતી વાતોને

આજ હજીયે કોઈ દાદીમા કોઈ શિશુને ક્હેતાં

કોઈ શિશુમાં

વીસ વરસ પહેલાંનો કોઈ મનોજ

રાતે બેસી ઉત્કંઠાથી

હોંકારા કંઈ ભણતો ભણતો

પરીઓની વાતોની સોડે

પોઢી જાતો

ઓઢી લઈને સપનાનો એક દેશ.

સપનાના દેશે કોઈ વસે ના

બધાં નગર બસ ખાલી ખાલી

બધાં નગરનાં મકાન ખાલી

કિંતુ કાયમ ત્યાં સંભળાતો

મહાનગરના અવાજના અબ્ધિ શો ઘેરીલો ઘુઘવાટ

મકાનને ફૂટે રે જાણે વાચા

મકાનના પથ્થરમાં કંડારેલા ચ્હેરા

જાણે હોય સાચા

એમ મહીંથી શબ્દો ફૂટે

શબ્દો કેરા પારેવાંનાં ટોળાં

પાંખોમાં નગરોને લઈને ઊડે

પાંખોના ફફડાટે

આંખોમાં આંજેલાં સપનાં નીતરે

મારું સપનું તો એક આંસુ

મારું સપનું તો એક સૂરજ

જંગલમાંહે છાયો ને પડછાયો થઈ વેરાતો સૂરજ

મારું સપનું તો એક સૂરજ

તડકાના ટુકડાઓ થઈને કેડી પર વેરાતો સૂરજ

તોયે કેડી અણઊકલી રે

તોયે કેડી વણઊકલી રે

કેડી જાણે કોક અજાણી લિપિ

ઉકેલવા તે ભીંતોને તો આંખો ક્યાં છે?

ભીંતની આંખો તો અંધારું

ભીંતની આંખો તો અંધારું

અંધારે તો મારું વિસ્તરતું આકાશ

–મહીં તો ગયા જન્મની

મારી જન્મ-કુંડળીના ગ્રહ કૈં જ્યાં ફરતા દિવસ-રાત

ગોપવી ગયા જન્મની વાત.

ગયા જન્મમાં હું તો લક્કડખોદ

બપોરની તડકાતી વેળા

કોક વૃક્ષની ડાળે બેસી ચાંચ ઘસું ને

એનો ઠક ઠક ઠક્ક ઠક્ક ઠક અવાજ તો કંઈ

પતંગિયાની માફક ઊડે.

હું તો લક્કડખોદ.

મારી ચાંચે અલસ બપોરી વેળા

રવથી ભરી ભરી થઈ જાતી

ડાળની છાલે

કંડારું હું ચાંચ થકી બસ કોઈ અજાણી લિપિ.

સાચ્ચે

માનો તો કેડી જેવી

અણઊકલી રે

વણઊકલી રે

એક વૃક્ષથી બીજે વૃક્ષ હું ઊંડું

મારે તો બસ ડાળે ડાળે

કોઈ અજાણી લિપિ ઘડવી

ડાળડાળને

વીંટળાયું આકાશ મથે છે ઉકેલવાને લિપિ

આઠ પ્રહર બસ ઝૂકી ઝૂકી ઉકેલવા કેડીને મથતું

ઝાકળમાં તરતું તરતું કેડી પર ઊતરતું

કેડી પર ઝાકળમાં એનાં સંભળાતાં રે પગલાં

નભનાં પગલાં ફૂલ બનીને ઊગે

ફૂલ પછી તો મ્હેક બનીને ઊડે

મ્હેક પછી તો સમીર સંગે ઊડે

સમીર ઊડતો નભને અડતો

નભ જાણે કે નભને અડતું

નભ જાણે કે મુજને અડતું

મારામાં નભ ખળભળતું રે...

---

ટેકરીઓને કાનખજૂરા માફક સો સો પગ ફૂટ્યા છે

કાલ થશે ને ટેકરીઓ વહી જાશે

કાલ થશે ને કેડી પણ વહી જાશે

રહી જાશે એક ટેકરીઓ ચડવાની ઇચ્છા.

ટળવળશે ઇચ્છાઓ

ચાર ભીંતની વચ્ચે મારા અકળાતા આકાશ મહીં

ટળવળતી ઇચ્છા.

ઈચ્છાઓના નભમાં સૂરજ તપતાં

રોજ થતું કે અકળામણમાં કેમ કરી જીવાશે?

પ્રશ્ન મૂંઝવે એવો....

પ્રશ્નોથી તરડાઈ જવાની ટેવ નથી પણ

તો જીવ છે ને તે જરા જરા ઉત્પાત થાય કે....

તો જીવ છે ને તે માયા ટેકરીઓની રાખે.

માયામાં અટવાઈ જવાની સાત જનમથી ટેવ જીવને.

ટેકરીઓ તો હરતીફરતી હોય

એટલું સહુ રે સમજે

પણ માયામાં સમજ બાપડી શુંય કરે ક્હો?

સમજ બાપડી ગભરું પારેવા શી કાંઈ બોલે

તડકાભીના કોક છાપરે

બેઠી બેઠી મૂંગી મૂંગી જોયા કરતી

થવું હોય તે થાય

થવું હોય તે થાય

થાય તો કૈંક થાયને!

ભીંતોને તો મનમાં ઘણું ઘણુંયે થાય

પાંખ હોય તો નભમાં ઊડીએ

પાંખ હોય તો ટેકરીઓ પર જઈ બેસીએ

ભીંતોના મનમાં તો રાત-દિવસ એક દર્દ ઘૂંટાતું

પાંખો ક્યાં છે?

કે પગ ક્યાં છે ?

સામે ટેકરીઓ છે

ટેકરીઓ પર કેડી...

દૂર દૂરથી

ટેકરીઓ તો લિસ્સી લિસ્સી લાગે

દિવસે તડકાથી સોનેરી

રાતે શ્વેત ચાંદની ધોઈ

ટેકરીઓની લીસ્લીલી હરિયાળી પર તો

વાદળના પડછાયા લોટે

મન મૂકી આળોટે

પડછાયા શું નસીબ લઈ આવ્યા કે

સીધા ટેકરીઓ પર જઈ ઊગ્યા છે?

ટેકરીઓ પર સીધા જઈ શકાતું હોય કદી તો

જોશીડા રે

શું શું કરીએ?

તમે કહો તે વ્રત આચરીએ

ચણા અડદ કે મગનું લાલ વસ્ત્રનું દાન કરીએ.

ટેકરીઓ પર

સીધા જઈ શકાતું હોય કદી તો

તમે કહો તે કરવાને તૈયાર.

વ્રત તો સાત જનમથી કરીએ

સાત જનમથી માયા ટેકરીઓની.

હજી કેટલા જન્મ અમારે ધરવા બાકી?

ચાર ભીંતની વચ્ચે

મારામાં ખળભળતું નભ અકળાતું

અડી ભીંતને બ્હાર

ફરકતા લીમડાનો ફરકાટ સરકતો.

લીમડાની લીંબોળીમાં સળવળતું મારું વિશ્વ.

લીંબોળીના ઠળિયે વળગ્યું બ્રહ્મ.

બાઈ મીરાં રે

હું તો કડવો લીમડો ઘોળીશ

મારે સાકરથી શું કામ કશુંયે?

મારી ભીંતો લીમડા સંગે લીલી લીલી

લીમડાની લીંબોળી પાકી જી રે

લીમડાની લીંબોળી ચાલ ચાખીએ, પ્રાણ!

રસબસતી લીંબોળી કવિતા જેવી.

કવિતાને તો શબ્દોનોયે ભાર.

લીંબોળી તો હળવી હળવી–હવા લહર ને

હું તો હવાલહરના જળમાં તણાઈ રહેતો

જળ તો

ઊં

ડું

ઊંડું નભના જેવું.

જળના કાંઠે

વનરાજિમાં હાશ કરીને કદી બેસીએ

તો લાગે કે બેઠાં છીએ.

તો વહી જાતાં રે જળ.

જળનો છાંયો હોઈ શકે પણ

છાંયે જાવું ક્યાંથી?

જળનું તળિયું થાવું ક્યાંથી?

તળિયું ગૂંચળું થઈને સૂતું.

પ્હેલાં તળિયું તો કાંઠે વસતું'તું.

એક દિવસ જળ પર

તરતી કોક લીંબોળી આવી.

લીંબોળીમાં તળિયે જોયા રામ.

લીંબોળી લેવાને તળિયું કૂદ્યું

લીંબોળી આગળ ને તળિયું પાછળ

આગળ.... પાછળ.....

આગળ.... પાછળ.....

આગળ...... પાછળ......

આગળ.... પાછળ.....

કોક વમળમાં લીંબોળી તો અલોપ.

તળિયું ચકરાતું ચકરાતું નીચે પ્હોંચ્યું

રામ વગરનું તળિયું ગૂંચળું થઈને સૂતું.

ઓઢીને

જળનો પડછાયો.

ભાઈ આપણે જળનો પણ પડછાયો ક્યાં છે?

વ્હેતી આછી ભીનાશનો ઓછાયો ક્યાં છે?

કિંતુ એય ઘણું કે

ભીંત આપણી લીમડા સંગે લીલી લીલી

નહીંતર એય મળે ક્યાં?

જુઓ શબ્દને

ખખડ બિચારા ખખડે ખુલ્લા ખુલ્લા.

એને લીમડો ક્યાં છે?

એને છાંયો લેવા જાવું પડતું કવિતા-દ્વારે.

કવિતા-દ્વારે ભીડ કેટલી!

હૈયે હૈયું દળાઈ જાતું

ચરણતળે ચગદાય ચરણને

કવિતા-દ્વારે પ્હોંચે ત્યાં તો

શબ્દો ચપટા શા થઈ જાતા

શબ્દો મીણ બની ઓગળતા

શબ્દો પ્રવાહી થઈને વ્હેતા

અબરખ જેવા સાવ પાતળા

આરપારથી જોઈ શકાતા

એવી થઈ જાતી શબ્દોની કાયા.

મારે કવિતા-દ્વારે નથી નીરખવા શબ્દો.

એથી મારો લીમડો સારો.

લીમડો મારી સહુ ભીંતોને લીલીછમ તો રાખે

ભીંતો લીલી હશે ભલા તો

કદી કાપશું કેડી

કદી ટેકરી ચડશું

કદી-

સ્રોત

  • પુસ્તક : વરસોનાં વરસ લાગે (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સર્જક : મનોજ ખંડેરિયા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ