ghas ane hun - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઘાસ અને હું

ghas ane hun

પ્રહ્લાદ પારેખ પ્રહ્લાદ પારેખ
ઘાસ અને હું
પ્રહ્લાદ પારેખ

જ્યાં સુધી પહોંચે નજર

ત્યાં સુધી બસ ઘાસનો વિસ્તાર છે,

ને પછી આકાશ કેરી

નીલરંગી ક્ષિતિજ કેરી ધાર છે.

પૃથ્વીના આનંદનાં સ્પંદન સમાં

તરણાં હલે છે વારવાર;

ના ખબર કે શા સબંધે

સર્વ સંગે એહ, મારો પ્યાર છે.

હલે છે આવતાં ધીમો પવન

થાય છે એવું મારા ચિત્તમાંહી યે ચલન.

જોઉં છું વહેલી સવારે એમને,

ને ખુશીથી મહેક મહેકે છે મને,

ઝાકળેથી બધાંયે શોભતાં,

જોઈ આંસુ હર્ષ કેરાં આંખમાં આવી જતાં!

થાય છે મારી નજર જાણે હરણ,

ને રહે છે ઠેકતી ઘાસમાં;

ના છળે છે એક પળ એના ચરણ.

સ્પર્શતો એને નહીં

ને નજાકત તો એની

અનુભવું છું મન મહીં!

ને બપોરે હેમ શા તડકા તણું

ને હરિત એવા ઘાસનું થાયે મિલનઃ

આભનું, ધરતી તણું, બેઉ માંહી,

લાગતું કે, મન મળ્યું;

જોઈને એ, ક્યાંકથી મુજ દિલ મહીં

આનંદ કેરું મધ ગળ્યું!

સાંજવેળા તેજ, છાય, ઘાસ, સૌ.

સાથે મળીને ખેલતાં :

સાદ પાડી ચિત્તને મારા ય, સંગે લઈ જતાં!

એમના ખેલને જોઈ રહું,

ને હર્ષપુલકિત થઈ જઉં.

પુલકને જોઈને લાગે મને

કે ઘાસ જુદે રંગ મારે અંગ

નાનું રૂપ લઈ વ્યાપી રહ્યું!

કેવી અહો મન તણી છે સાધના,

(વા નેહની એને કહું આરાધના?)

કે જોઉં જેને બા'ર

તેને અંગમાં ને અંતરે હું અનુભવું!

રે સ્વપ્નમાં યે ઘાસનું ચહુદિશે,

સુખદ એવું જોઉં છું હું ફરકવું.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 86)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004