Dholiye - Mukta Padya | RekhtaGujarati

અમે અજાણ્યા ક્યાં લગ રે’શું?

કહો તમારા ઘરમાં?

કહો તમારા ઘરમાંથી વળી

તબો-તમાકુ પંડ ઊઠીને ક્યારે લેશું?

દખણાદી પરસાળ ઢોલિયો ઢળ્યો,

ક્યારનો પડ્યો પડ્યો હું

જતાં-આવતાં ઘરનાં માણસ ભાળું;

બોલ તમારા સુણી માંહ્યથી

પાંપણ વાસી

અમો ખોલિયે દુવાર આડું!

જોઉં જોઉં તો બે જ મનેખે

લહલહ ડોલ્યે જતો ડાયરો

કોણ કસુંબા ઘોળે?

ઘૂંટે કોણ ઘેનનાં ફૂલ?

હથેલી માદક લહરી શી રવરવતી –

દિન થઈ ગ્યો શૂલ....

હમણાં હડી આવશે પ્હોર–

રાતના ઘોડા ગોરી,

સાગઢોલિયે પાંખ ફૂટશે;

કમાડ પર ચોડેલી ચકલી

સમણું થઈ ઘરમાં ફડફડશે.

જુઓ પણે પરસાળ સૂંઘતો ચાંદો

અમને ઘડીવાર તો ગંધ ઊંઘની આલો,

આલો શ્વાસ તમારો ઓઢું, જંપું.

અંધકારથી પડખાંનો આ-વેગ

હવે તો બાંધો

ઢળ્યે ઢોલિયે....

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 305)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004