deep pragatva raheva do ne - Mukta Padya | RekhtaGujarati

દીપ પ્રગટવા રહેવા દોને

deep pragatva raheva do ne

જગદીશ ત્રિવેદી જગદીશ ત્રિવેદી
દીપ પ્રગટવા રહેવા દોને
જગદીશ ત્રિવેદી

સમીસાંજનાં

ઝાંખાં ઝાંખાં અજવાળાં –

ગોધણ વળવાની મધુરી વેળ –

હમણાં દીપ પ્રગટવા રહેવા દોને

હજી તિમિરની ડમરીને છે વાર.

ખેતરમાંથી મોલ ભરીને ઊપડેલું દેખાતું ગાડું રસ્તા વચ્ચે,

હાંકેડુના ડચકારામાં તાલ પૂરતી

બળદડોકમાં રણઝણતી હજી ઘૂઘરીઓ દેખાતી;

હજી દળાઈ વાટ તળે દેખાય ઊડતી માટી -

હમણાં દીપ પ્રગટવા રહેવા દોને.

કોઈ નદીને કાંઠે જળમાં ચાંચ ઝબોળી

ઊડવા માંડ્યા વિહંગ કેરી ચાંચ ટપકતી હજી દેખાતી;

ગગન ઘસાતું ઊડતું

એની પાંખ ઉપરની રંગટીપકી હજી ગણાતી –

હમણાં દીપ પ્રગટવા રહેવા દોને.

મેં રોપેલી લીમડી નીચે સીમ મહીં લંબાવ્યું –

હમણાં અહીંથી ક્યાંક ગયેલા સૂરજપગલાં અંકાયેલું

મારા ઉપર નભ ઝૂક્યું છે;

સંધ્યા કેરી મ્હેક મ્હેક કંઈ પગલીઓ પણ અહીં દેખાતી -

હમણાં દીપ પ્રગટવા રહેવા દોને.

સ્રોત

  • પુસ્તક : કવિતા : એપ્રિલ, 1972 (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ