Bapuno Janamdivas - Mukta Padya | RekhtaGujarati

બાપુનો જનમદિવસ

Bapuno Janamdivas

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
બાપુનો જનમદિવસ
હરીન્દ્ર દવે

આજ બાપુનો જનમદિન

જ્યારથી સરકાર પાળે છે રજા

ત્યારથી કેમેય ભુલાતો નથી.

વાંચશું થોડા ગીતાના શ્લોક?

‘વૉઈસ ઑફ ઇન્ડિયા’ જોવા જવું છે,

ક્યાં સમય રહેશે?

ને ઉપવાસ?

ના રે એમ દુભવ્યે જીવ

બાપુ તે કદી રાજી રહે?

રાજઘાટ જશું?

ચલો, સુંદર જગા છે,

ટહેલશું થોડું.

અને બે ફૂલ બાપુની સમાધિ પર મૂકી

કર્તવ્યનિષ્ઠા તો બતાવીશું.

ક્યાં બિચારાએ સહન થોડું કર્યું

બે ફૂલનો તો હક્ક અદા કરવો ઘટે.

પ્રાર્થનાના તો શબ્દો યાદ

પણ બાપુ સદા કહેતા હતા

કે હૃદય જો પ્રાર્થતું હોયે તો સાચી પ્રાર્થના.

રજાનો દિન

હશે આકાશવાણી પર વધારે કાર્યક્રમ :

વ્યાખ્યાન કોઈ રાજનેતાનું

જવા દો,

ગ્રામ પર મૂકો નવી રેકૉર્ડ.

આજ બાપુનો જનમદિન

ને રજા,

કેટલો જલદી દિવસ વીતી ગયો,

જેમ બાપુનું જીવન.

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સર્જક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ