madhyaraatriie koyal - Metrical Poem | RekhtaGujarati

મધ્યરાત્રિયે કોયલ

madhyaraatriie koyal

નરસિંહરાવ દિવેટિયા નરસિંહરાવ દિવેટિયા
મધ્યરાત્રિયે કોયલ
નરસિંહરાવ દિવેટિયા

(વિષમ હરિગીત)

શાન્ત રજની મહિં મધુરો કહિં રવ આ-ટૂહૂ-

પડિયો ઝીણો શ્રવણે અહિં? શું હું સ્વપ્નમાં સુખ લહું?

મન્દ વાઈ સમીર દિશ જો વહે રવ ફરી,

નહિં સ્વપ્ન, તો ગાન પેલી ગાય કોયલ માધુરી.

મધ્યરાત્રિ સમે ત્હને અલી કોકિલા! શું ગમ્યું?

હાં, મેહુલો વરશી રહ્યો ત્હેણેથી તુજ મનડું ભમ્યું;

દુઃખ નવ સ્વપ્ને દીઠું ને સુખ મહિં તું રેલતી,

રમ્ય રાત્રિ મહિં અધિક આનન્દગાને ખેલતી.

નીતરી રહી ધોળી વાદળી વ્યોમમાં પથરાઈ આ,

ને ચાંદની ઝીણી ફીકી વરશી રહી શી સહુ દિશા!

ગાન મીઠું અમીસમું ત્હેણે ભર્યું તુજ કણઠમાં,

શાન્તિ અધિક વધારતું તે જાય ઊભરી રંગમાં.

નગર બધું શાન્ત સૂતું, ચાંદની પણ અહિં સૂતી,

ને વાદળીઓ ચપળ તે પણ સમે નવ જાગતી,

અનિલ ધીરે ભરે પગલાં પળે શાન્તિ રખે સહુ,–

ત્ય્હાં ઉછળતી આનન્દરેલે કોકિકા બોલે ટુહૂ!

સૃષ્ટિ સઘળી શાન્ત રાખી મુજને જગાડતો

ટહુકો મીઠો તુજ પવનલહરી સંગ જે બહુ લાડતો;

ગાન તુજ સીંચે હૃદયમાં મોહની કંઈ અવનવી,

ભૂલી ભાન, તજી મુજ રમ્ય શય્યા, હઈડું દોડે તવભણી.

દોડી ખેલે મધુર તુજ ટહુકાની સંગે રંગમાં,

આનન્દસિન્ધુતરઙ્ગંમાં નાચંતું ઉછરંગમાં;–

હા! વિરમી પણ ગયો ટહુકો, હૃદય લલચાવે બહુ,–

ફરી એક વેળા, એક વેળા, બોલ્ય, મીઠી! ટુહૂ, ટૂહૂ!

સ્રોત

  • પુસ્તક : કુસુમમાળા (પૃષ્ઠ ક્રમાંક 66)
  • સર્જક : નરસિંહરાવ ભોળાનાથ
  • પ્રકાશક : જીવનલાલ અમરશી મહેતા
  • વર્ષ : 1912
  • આવૃત્તિ : ચોથી આવૃત્તિ