mane adhik chhe pasand - Metrical Poem | RekhtaGujarati

મને અધિક છે પસંદ

mane adhik chhe pasand

સુન્દરમ્ સુન્દરમ્
મને અધિક છે પસંદ
સુન્દરમ્

મને અધિક છે પસંદ,

અગણ્ય ઉડુઓ થકી ખચિત ખુલ્લી રાતોથી યે

મને બસ પસંદ છે સઘન મેઘથી આવરી

અડાબીડ અંધકારભર રાત, જેમાં ક્યહીં

તગી અટુલી તારલી લઘુક એક જાતી જરી.

મને અધિક છે પસંદ,

અસંખ્ય મધુ વાનીઓથી છલકંત મિજબાનીઓ

થકી વધુ પસંદ છે સતત કૈં કડાકા પછી

અથાગ રખડાટના, મળતી દીન યજમાનના

ગૃહે અ–રસ રોટી સાથ ચટણીની તીખી મઝા. ૧૦

મને અધિક છે પસંદ,

સુરીલ દૃઢતાલ શાસ્ત્રમય ગાન-જલ્સાથી યે

મને વધુ પસંદ છે ગભરુ નાનકા બાળના

મુખેથી સરતું સહાસ્ય રમતાં, કંઈ ક્રન્દ્રનો

વિષે, વિસરી રોવું, એક અણધાર્યું ‘તા...તા.’ સુખી.

મને બસ પસંદ છે જગતના સુયોજ્યા બધા

પ્રહર્ષ થકી, લાધતી સહેજ એક હર્ષક્ષણ.

સ્રોત

  • પુસ્તક : વસુધા (પૃષ્ઠ ક્રમાંક 71)
  • સર્જક : સુન્દરમ્
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1939