wirahininun rituwarnan - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વિરહિણીનું ઋતુવર્ણન

wirahininun rituwarnan

નર્મદ નર્મદ
વિરહિણીનું ઋતુવર્ણન
નર્મદ

ગ્રીષ્મ

(ઇંદ્રવજા)

ધોળી અગાશી ખૂબ ઢોળી ચૂને, ચારુ ખીલી ચંદની ચાર ખૂણે,

ધોળાં સુવો નરનારી પહેરી, ગાયે રસીલાં બહુ સૂર ભેળી.

એવી સુરાત્રિ કરમે આવી, રંગીલી હું કેમ લઉં નિભાવી?

છૂટે નિમાળે પગતાલ મારી, હાથે વગાડી સતાર સારી.

વાળાતણા ના વીંજણા ઉડાડ્યા, છાંટી ગુલાબે પ્રિય ના સુવાડ્યા;

કૂંળે અને ચંદનયુક્ત હાથે, માથું ચાંપ્યું રસ પાઇ ગાતે.

વર્ષા

(મંદાક્રાંતા)

અંધારી રજની સજની, મેઘબિહામણી રે

વારે વારે, દરશન દઈ, ચોંકવે દામણી રે,

ધો ધો ધો ધો, ઉદક પડતું પહાણ ઉપેર ભારી,

દેખી સંધું ક્યમ ટટળું નાથ સારું હું નારી?

તોફાને, ખૂબ કરી કળા, ડુંગરે નાચતા રે,

‘ટેહુ’ ‘ટેહુ’, વદી હરખમાં, મોર તે વૃંદમાં રે;

દેખી દાઝું ઊંચકી તન ના, જંગી વિલાસ કીધો,

માદા પેરે, ઝીલી સુરસ મેં, હાયરે ના પીધો!

દિલાસાથી, ધીરજ ધરવી, ચાતકા જોઈ તુંને,

તારું સીઝ્યું, મુજ નવ સીઝ્યું, લહાય વાધી મુને;

રે દાદુરા, ઘન વરસતો જોઇ ફૂલાઇને રે,

‘ડ્રાંઊં’ ‘ડ્રાંઊં’, અતિસ લવી કાં ચીડવે છે મને રે?

શા સારુ ઓ, દરદી હું છતાં બહેની કોયેલડી રે,

ટૂઊ ટૂઊ કરતી હું વિના, મેઘસૂરે ચડી રે?

તોબાકારી તીણી ચીસથી, સારસા, ભાઇ તારી,

કેશો ઊભા, કરી કણકણે, પેટ બાળે ભારી.

(ઇંદ્રાવજા)

ખેલ્યો નહિ ચોપટ સામસામાં, બેસી સજીને પ્રિય ને હું રામા;

મારી મરાવી નવ સોકટીઓ, લહાવો લીધો ઋતુનાં સુખોનો.

ખેલ્યો નહિ નાથસું સેતરંજ, હૈડે ઘૂમે આજ વિજોગરંજ;

ત્રણે રમ્યાં ના વળી ગંજીફે તો, લહાવો લીધો ઋતુનાં સુખોનો.

સાથે કાફી પીધી ચાહ સારી, ઊનાં જમ્યાં ના દૂધપાક ઘારી;

જોતાં પડતો વરસાદ મોટો, લહાવો લીધો ઋતુનાં સુખોનો.

પાકાં ભરી ચેવલી પાન રંગે, કાથે ચૂને એલચીએ લવંગે;

ઘાલી બીડી મુખ લૈ ચૂમીઓ, લહાવો લીધો ઋતુનાં સુખોનો.

ગાયાં ગવાડ્યાં નવ ગીત બાગે, તાનો થકી સોરઠ મેઘ રાગે;

ઘેલી બની મસ્ત નાથ ચાંપ્યો, લહાવો લીધો ઋતુનાં સુખોનો.

સેતાર સારંગી મૃદંગ ચંગ, કાને વીણા સાંભળું ના ઉમંગ;

ગાથા ગપાંસો કવિતાપુરાણો, લહાવો લીધો ઋતુનાં સુખોનો.

ધીરે રહી શીતળ વાયુ વાયે, વૃષ્ટિ બપોરે રૂમઝૂમ થાયે;

ઝૂલ્યાં હીંડોળે નવ સાથ બન્યો, લહાવો લીધો ઋતુનાં સુખોનો.

રાતે રેલે સુકુસુંબ વસ્ત્રે, વર્ષાદથી છેક ભીંજાઇ રસ્તે;

ચોંટેલ ચીરે નથી નાથ જોતો, લહાવો લીધો ઋતુનાં સુખોનો.

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ નર્મદ (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : રમણ સોની
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2023