tu gai! - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

(ઉપજાતિ)

ત્યારે ગઈ શું અહિંથી પ્રિયા તું?

મૂકી ગઈ હઇયું રિબાતું!

હવે મિઠું તે મુખ તાકી તાકી

નિહાળવાનું નહિં શું કદાપિ? ૧

ચિન્તા અને દુઃખ થકી પીડાતા

ચિત્તને ટેકવવાની આશા

તારા પ્રિયા! પ્રેમથી આવતી જે,

હવે પછી શું સહુ મૂકવી તે? ર

શરીરને તે મનને જરુરે,

આઘા પ્રદેશે ફરતાં હતું જે

સ્વથાન પાછું બળ ખેંચનારૂં,

શું તે વિના દૂર હવે જવાનું? ૩

ગ્રહો ફરે છે રવિ આસપાસ,

છાયા ફરે જ્યાં વચમાં પદાર્થઃ

પ્રદક્ષિણા પ્રિય કેરી સર્વે,

ક્યાં હું ફરું રે! તુજ વીણ મધ્યે? ૪

તારાની પેઠે સ્થિર એક ઠામ,

દુ:ખો સુખો સૃષ્ટિ વિષે તમામ

જોઈ રહી ક્ષોભ વિના જરીએ

રહું જડાઈ?—ન બને કદીએ. પ

શરીર મારું સ્થિર રે' કદાપિ,

ચિત્તને તો શકું રાખી;

સ્વચ્છંદ તે તો ભમતું ફરે છે,

રે! તું ગઈ તે સ્થિર કેમ રે’તે?

શું કોઇ શોધું કંહિ ધૂમકેતુ,

જેને અગાડી વધતો દેખુ,

જેને મધ્યે કંઈ ખેચનારું

પાછા ફરે જે નહિં કોઈ સારૂ? ૭

ને છોડિ સર્વે સુખ શાન્તિ પ્રીતે,

સ્વીકારિને સંગત તેની નિત્યે,

નવા નવા રોજ પ્રદેશ ભાળું,

જાઊં અહીંથી-અહીંથી જાઉં!

(સન ૧૮૮૮, એપ્રિલ)

સ્રોત

  • પુસ્તક : કવિતા અને સાહિત્ય (વોલ્યુમ-4) (પૃષ્ઠ ક્રમાંક 157)
  • સંપાદક : રમણલાલ નીલકંઠ
  • પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી
  • વર્ષ : 1929