rakshaa - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તે દી’ રાત્રે શિવ સમીપ તું હાથ જોડીને ઊભી,

મૂંગી મૂંગી સહજીવનને પ્રાર્થતી તુંય લોભી.

માગી લીધું, નવ મુજ પથે કંટકે કોઈ હોજો,

મારાં આંસું કદિ પણ સરે, શંભુ સાક્ષાત્ લ્હોજો!

રક્ષા માગી, હસી દઈ દીધી શંભુએ તે ઘડીથી,

ઊણી આંચે નહિ શકી નડી, આપદા, મેં દીઠી.

ભોળી મુગ્ધા કુસુમ બિછવી, ઊતરી ટેકરીથી,

સાથે ચાલ્યો કદમ કદમે જન્મ જન્માંન્તરેથી

જાણે સાથે જીવન જીવતાં આપણે નિત્યપંથી,

સાથે પહોંચ્યાં સદન : સ્મરણો જાગતાં નીંદ ઊડી.

કેવા તાપે તપતી રહી છો શાશ્વતી શાંતિ દે ને?

વેડે વાડી સુરખી ભરી જે રમ્ય છે આજ નૈને.

મારા કાજે ઈશ સમીપમાં માગી’તી પ્રાણ રક્ષા,

જાતે દાઝે અવર જનથી આજ થાતી પરીક્ષા.

દૂરે ઝૂરું : ઉદધિ વચમાં ઘૂઘવે ઘોર નાદે,

શેનાથી હું પ્રિય તરી શકું પ્હોંચવા તારી પાસે?

શું હું આપું? બસ તરી અહીં આવ, મારી સમીપ?

કંપું ગાત્રે, સુદૂર પણ તું, સાંભળું છું વિલાપ.

લૈ જા રક્ષા શિવ થકી લીધી આજ આપું પાછી,

રક્ષા-નાવે પ્રિય પરત તું, આવી જા નિત્ય વાંછી.

સ્રોત

  • પુસ્તક : મૃગજલ ઝરણાં (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સર્જક : ભાનુભાઈ શુક્લ
  • પ્રકાશક : સમય કાર્યાલય
  • વર્ષ : 1996