atimoDun - Metrical Poem | RekhtaGujarati

અતિમોડું

atimoDun

કલાપી કલાપી
અતિમોડું
કલાપી

અતિ મોડું મોડું વદન તુજ ‘ચાહું’ કહી શક્યું;

અને મારું હૈયું સમજી નવ વ્હેલું કંઈ શક્યું;

હતી તું તો શિષ્યા, રમતમય ચાગ તુજ સૌ,

અહો ! કોડે હેતે હૃદય મમ લાડ પૂરતું.

મને ના જાણ્યું કે હૃદયરસભોક્તા કરીશ તું,

તને જે અર્પેલું પીયૂષ મુજને તે દઈશ તું;

જાણ્યું મેં તારો મમ હૃદય આલમ્બ બનશે;

જાણ્યું કે પ્યાલું તુજ જિગરનું આમ ઢળશે. ૨

ચહાઈ મોડી ને અરર! દિલ વ્હેલું વશ કર્યું,

વિના વિચારે કૈં વળી જિગર તે અર્પી દીધું!

ઘવાયેલું શલ્યે મમ દિલ વળી અન્ય દિલનું,

તહીં બંધાયેલું દૃઢ ફરજબન્ધે ગરીબડું. ૩

તને ચાહું કિન્તુ મુજ પ્રણય તું જોઈશ નહીં!

અરે! મૃત્યુ વેળા નયન તુજ હું ચાંપીશ નહીં!

તને આવે કષ્ટો, મુજ દિલ ઢાલ બનશે,

તને છોડી દેવા હૃદય મમ યત્ન કરશે!

અરે! મારી સ્થિતિ અનકૂલ નહીં પ્રેમ કરવા,

સ્થિતિનાં જન્તુ તે જન સ્થિતિ પામે પલટવા;

વિના ઇચ્છા! રે! રે! મુજ જિગર તો ક્રૂર બનશે!

અરે! ચીરાતાં તુજ જિગર તો ચીરી જશે! પ

પ્રિયે! હું જેનો તે કદી ત્યજી મને સ્વર્ગ વસશે,

કદી છૂટી તૂટી મુજ હૃદયનું પિંજર જશે;

અરે! બન્ધાઈ તે પણ નવ ઊડે પાંખ કદીયે,

નહીં પંખી તો ક્ષણ જીવી શકે પિંજર જતે. ૬

અરે! રો ના! રો ના! પણ નહિ રડે તો કરીશ શું?

હવે તો રોવું તુજ હૃદયનું એક રહ્યું!

અરે! મારે તો રુદન પણ મીઠું નવ મળે!

અરે! હૈયું રોતાં મુખ હસવવું ફરજે!

મને મોડું મોડું મરણ પછી તું -અમૃત મળ્યું,

ઉઠાડી ના કો દી મરણવશને અમૃત શક્યું,

અરે! ઢોળાયું એ, ઢળી જઈ ભળ્યું છેક ધૂળે,

પ્રભુની ઇચ્છા! અનુકૂળ પડે, વા નવ પડે! ૮

સખિ! તારે માટે જીવીશ ફરી હું જગતમાં,

શીખો ફેરે તો સહવું વિધિની રમતમાં;

અહો! ઇચ્છાથી તુજ સહ ફરી જન્મીશ નકી,

તને ત્યારે, વ્હાલી ! હૃદયરસ હું અર્પીશ નકી. ૯

પ્રવાસે ચાલ્યો જીવ અનુભવી જ્યારથી થવા,

મળ્યું આવું મીઠું સહન કરવું ના કદી હશે;

ફકીરી તારી ને મધુર મુજ કેદ ગણજે,

લગાડી લેજે તું જગત સહુની ખાક જિગરે. ૧૦

ફરી જન્મી સાથે હૃદય મુજ હું અર્પીશ તને,

પ્રવાસે કૈં તેથી જરૂર વધુ વેળા થઈ જશે;

અરે! વ્હાલી! વ્હાલી! પ્રણયરસ કિન્તુ મધુર છે,

કયું તેને માટે હૃદય સુખથી ના અટકશે? ૧૧

પ્રવાસીને વીત્યા કંઈ યુગ, યુગો કૈં વહી જશે;

નકી તેમાં તેવો સમય મધુરો એક હશે;

ત્વરા છે ના કાંઈ કુદરત પીવાડે પીયૂષ જો,

ભલે લાખો જન્મો પ્રણયરસમાં એમ વહજો. ૧૨

પ્રિયે! આશાથી તુજ નયન તો પીગળી વહે,

પ્રિયે! આશા તો તુજ હૃદયને ક્રૂર દિસે!

તેં વિચારેલું કદી પણ હતું કાલનું, સખિ!

અરે! આશાથી ક્યમ સુખી બને તે દિલ? સખિ! ૧૩

નિરાશામાં, બેની! જીવિત ક્યમ તારું પૂરું થશે?

અને તારી પીડા મુજ નયન શેં જોઈ શક્શે?

રહ્યું જોવું, રોવું, સ્મરણ કરી ગાવું કદી કદી!

કભાવે ભાવે સહવી પણ ઇચ્છા પ્રભુ તણી. ૧૪

સ્રોત

  • પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 70)
  • સંપાદક : અનંતરાય રાવળ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ