maran dwaro - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારાં દ્વારો

maran dwaro

કુસુમાકર કુસુમાકર
મારાં દ્વારો
કુસુમાકર

(મંદાક્રાંતા)

મારાં દ્વારો પ્રતિપ્રહર છે, સર્વને કાજ ખુલ્લાં,

धन्योSस्मि હા! પુનિત પગલાં ત્યાં પડે ક્યાંથી ભૂલાં;

દાનાં દિલો મુજ ખબર લે, ના વધાવું હું દુલાં,

મહેમાનો મનભર મીઠાં કાળજાએ ભૂલ્યાં!

ખુલ્લું મારું સદન સહુને કાજ છે બન્યુ! હોકે,

“છો કે?” કહેતાં સ્વજન બનતાં, કોણ સાદ ટોકે?

‘આવ્યાં’ સહુ સ્વજન સમ છે, સર્વદા આંખ માથે,

ભોળાંદોલાં પ્રભુપ્રિય સહુ ગુંજશું ગોષ્ટિ સાથે,

પ્રેમોર્મિને વિનિમય થતો સ્વપ્ન જેવો પ્રસંગ,

લ્હાણાં મીઠાં લલિત ઉરનાં, ધન્ય સંગરંગ.

***

કિન્તુ મારું ઉર કહી રહ્યું, બન્ધુ! છે અન્ય વાત,

ભાઈ, મારાં કઠિન વચનો સાંખજે વજ્રપાત.

સૃષ્ટિમાં ઉર ઉર તણો કઈ દિ’ મેળ ખાતો?

તાળી મૈત્રી ‘હિહિહિ હુડ્ડહુ’ સ્નેહ એમાં સમાતો!

રાગદ્વેષી છલબલ વડે નાચતાં પૂતળાંઓ

બેઠા ઊઠયાં! થઈ શું ગયું, મળ્યાં ના મળ્યાં તો!

જિહવાગ્રે છે। મધુ લળકતાં, હાર્દની માંહી દંશ,

પાત્રો ક્યાં છે અમૃત ઝીલતાં-વિશ્વનો પ્રેમ અંશ!

તેથી મારું દિલ કહી રહ્યું, ભાઈ રે! નગ્ન સત્ય,

પોલાં ‘છો કે?’ મુખ મરકડાં, દંભનાં અપત્ય,

આવ્યા તો શું, નહિ ફરકયા, તો શું ડોળ ઘાલું,

કાલું કાલું પટુ અટપટું, સ્નેહનું શું બકાલું?!

મારાં દ્વારો ગહન મનની શાન્તિ શાં બંધ મૂક,

મારાં દ્વારો ફિલસૂફી તણાં કાવ્યની ભવ્ય તૂક!

મારાં દ્વારે પ્રબળ ઊછળે મૌનનાં અટ્ટહાસ્ય,

મારાં દ્વારે, સ્મિત લહરી વા! ધન્ય પ્રજ્ઞા નિવાસ.

કિન્તુ કો દિ' પદરવ સુણું બન્ધુ હું દ્વાર મારે,

કમ્પારી કંઈ, નિભૃત ઉરમાં છૂટતી ભાઈ! ત્યારે,

રે રે ત્યારે ફડફડ કરું ખાલી કૈં પ્હોર ઓષ્ટ,

કે શું મારે કરવી પડશે, શું કરું વ્યર્થ ગેાષ્ટ?!

***

મારે દ્વારે પરમ સુખી હું, સર્વદા એકલો છું,

મારા સંઘે કવિ ફિલસૂફો, એકલો તો ભલો છું,

મીઠી ઊર્મિ, લલિત ઉરની, તર્કની ભવ્ય શ્રેણી,

સ્વપ્નો ચારુ-વિરલ વહતી-તેની દ્વારે ત્રિવેણી.

લ્હેરાવે શું નિકટ વસતી જ્ઞાનની પુસ્તિકાઓ

જ્ઞાન માની, વિરલ ઉરના છે અનેરા રાહો,

હું તો મારે મન નૃપતિ છું, જ્ઞાનશૃંગે વિરાજ્યો,

મારે ત્યારે જગની પડી શું, પૂર્ણ હું જ્ઞાન દાઝ્યો.

બેઠો લ્હેરું જિગર ઝરુખે જ્ઞાનકેરી અટારી,

સ્વપ્નો જેવી, લલિત ઉરમાં, સંઘરી કિલારી.

***

મારાં દ્વારો, સ્વજન બનતાં, આપતાં ધન્યમાન,

આઘાં રહેતાં, ઉર સરિતનાં-ડોળતાં તો ગાન,

આવે તેનો જરૂર ઘડી હું, પાડથી પ્રેમ માનું,

ના આવ્યાનું મુજ ગરીબનું જાણું હું લાડ છાનું!

આવ્યા તો હું ક્યમ કહી શકું ચોંટી તો ઉપાધિ,

ના આવ્યા તો મુજ ગરીબની, પારખી શું સમાધિ?

‘આવ્યા’ ભાવ્યા તકલીફ પડી કૈં, બાપલા તો પધારો,

ના આવ્યા ને-કદર બુઝી તો–કેમ કહેવું ‘પધારો’.

‘આવ્યા’ તો છે ઉપકૃત કર્યો બાપુ, છો આંખ માથે,

ના આવ્યા તો નમન કરું છું, પાડથી બેઉ હાથે,

જાણે મારો પ્રભુ તલસું છું, સ્નેહની ઊર્મિ માટે,

‘કિન્તુ ક્યાં છે?’ હૃદય અતિથિ-કેટલી જોવી વાટે?

સ્રોત

  • પુસ્તક : સ્વપ્નવસન્ત (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સર્જક : કુસુમાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1963