ratine pararthna - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રતિને પ્રાર્થના

ratine pararthna

કાન્ત કાન્ત
રતિને પ્રાર્થના
કાન્ત

રસમય બન્યો કૈં કૈં ક્રીડા પ્રદર્શનથી પ્રિયે!

વિવશ કરવા, સ્પર્શે સ્પર્શે, સગર્વ મથી પ્રિયે!

નવલ મધુરા હાસ્યે હૈયું દ્રવી શરણે ગયું,

रति વિરમવું દેવી! હાવાં બચાવ બહુ થયું.

મૃદુ મદભર્યાં ગાત્રો ત્હારાં તજી શકું કદા,

વિરલ કચથી આચ્છાદીને પ્રસન્ન રહું સદા;

નયન નમણાં, ગ્રીવા ધોળી, લલાટ સુહામણું,

અવિરત ફરી ચુંબી ચુંબી કૃતાર્થ નહીં ગણું!

અધિક સુખના કાર્યે આજે નિયોગ ઠરે જરા,

વિતત કરવી પક્ષો કાન્તે! પ્રવાસ પરે જરા!

ઉડુગણ હજી ભાસે વ્યોમે સ્હવાર પડે નહીં,

ત્યમ વિચરવું વેગેથી ત્યાં વિમોહમયી મહીં!

નિજ સદનમાં શય્યા મધ્યે નિહાળીશ મિત્રને,

ચપલ દૃગથી જોશે શોધી સમાગમ ચિત્રને;

પ્રહર પણ આજે વીતે તે એક અંતનો,

જનનદિન છે આજે તારા પ્રિયે! બલવંતનો!

સ્ફુરિત કરજે સ્વપ્ન આવું સખિ! હળવે રહી–

સુહૃદ પળતો રાત્રિમાં જયાં પરિક્રમણે વહી!

વિમલ કુસુમો વર્ષે હર્ષે સુમિશ્રિત વિસ્મયે,

ત્વરિત નિરખે ત્યાં બાલા બે રસાલ નવી વયે.

લલિત નમનેથી ‘આયુષ્માન્’ થવા વરદાન દે,

“જય જય” તણાં મીઠે કંઠે વળીવચનો વદે;

કરી અભિનયે અંગોની કૈં સુકોમલતા છતી,

જલધિજલના તારાઓમાં પડી ઊતરી જતી.

સ્વન મધુરતા વાદ્યે જેવી પ્રશાંત થતાં વધે,

પરિમલ જતાં આઘે અંગો મહીં પ્રસરે બધે;

સહજ હળવે તેવી રીતે પ્રબોધ થવો ઘટે,

અસર સુખની ઉંડી જેથી નહીં સહસા મટે!

રવિકિરણને રંગી લેજે મનોહર રંગમાં!

મૃદુ પવનનાં મોજાં દેજે સુશીતલ સંગમાં!

વિજય સરખો દર્શાવીને મહોત્સવ સૃષ્ટિએ!

પ્રણય ઠરતો જોજે હર્ષ પ્રકાશિત દૃષ્ટિએ!

નજર પડે તેવામાં જો કદી પ્રતિમા ભણી,

તરત બદલી દેવી તારે પ્રભા નયનો તણી;

વદન હમણાં સામે જાણે હસી અભિનન્દશે,

પ્રકટિત થતાં સ્નેહ સ્નેહી સખા અભિનન્દશે.

શુચિ હૃદયનાં સૌહાર્દોની સખિ! અધિદેવતા!

પ્રણયમય વિશ્વે બાલે! તને સહુ સેવતા;

રતિરસ બધે રેલાવીને ફરી વળજે પ્રિયે!

સદય રહીને ક્યારે ક્યારે મ્હાને મળજે પ્રિયે!

(રર-૧૦-૧૮૯૦)

સ્રોત

  • પુસ્તક : પૂર્વાલાપ (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સંપાદક : વિનોદ અધ્વર્યુ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2000