raho tahin ja - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રહો તહીં જ

raho tahin ja

મનસુખલાલ  ઝવેરી મનસુખલાલ ઝવેરી

રહો તહીં સુન્દરી! મુજ નજીક ના આવશો;

રહે તહીં ને મને નયન બે મારાં ભરી

ભરી નિરખવા દિયો મૃદુલ વેલ લાવણ્યની;

વિશુદ્ધ તમ સુન્દરી! ઉછળતી ઉરે મુગ્ધતા,

કરે, ચરણ, રોમમાં વિલસતી તમારી પ્રભા, પ

મને નિરખવા દિયો નયન બે મારાં ભરી.

જાણું ક્યમ મારું હૃદય કમ્પતું લાવતાં

નજીક તમને,અને અતિશ ધન્યભાવે ઢળ્યાં

વિમુગ્ધ તમ નેત્રમાંહિ મુજ નેત્રને રોપતાં.

નથી હૃદય ચાલતું મુજ સુગાઢ આશ્લેષમાં ૧૦

સુકોમળ સમાવતાં સમદ સૌ તમારી છટા.

નથી અધરપલ્લવે ભ્રમર જેમ ગુંજી રહી,

કૃતાર્થ બનવું; નથી પ્રિય જરી ઓછાં તમે

પ્રિયે! હૃદયને, છતાં વિનવું ત્યાં રહો સુન્દરી!

હતા ઉપવને હું કાલ તમ રાહને ન્ય્હાળતો, ૧પ

તદા નિરખ્યું મેં ગુલાબ તમ શું ઉત્ફુલ્લ કો,

વસન્તમય વેષમાં તમ સમાન લાડતું,

અને તમ સમાં સ્મિતે સુતનુ છોડપેં સોહતું,

સમસ્ત સુકુમારતા તમ ધરી રહી અંગમાં,

રહ્યું વહવતું બધે સરસ ગન્ધ ઉચ્છ્વાસની. ર૦

વિલુબ્ધ તહીં હું સમીપ વિચર્યોં; અને પ્રાશતાં

સુવાસ શુચિ એહની ઉર અધીરથી, માહરાં

નિમીલિત થઈ ગયાં નયન, ને ગળી ત્યાં ગઇ

બધી મુજ વૃત્તિઓ અમળ એક આનન્દમાં.

અચાનક ત્યાં ગયાં નયન ઊઘડી માહરાં રપ

અને કુસુમ રમ્ય કેરી સુકુમાર સૌ પાંખડી

જતી વણસી મેં લહી મુજ કરે રહ્યા સ્વેદથી,

અને ખરી પડન્ત નિરખી ધૂસરી ધૂળમાં.

થઇ મુજ કરે ગઈ મલિન પનોતી પ્રભા.

સુવાસ, શુભ વર્ણ કે સુરખિ રમ્ય તેનું કશું ૩૦

રહ્યું ન; રહ્યું એકલું મુજ કરેથી ચૂંથાયલું

અહીં તહીં ખરી પડેલ મૃદુ અંગમાધુર્ય એ.

પદે લથડતે, ઉરે વિવશ ત્યાંથી હું ન્હાસિયો.

નજીક નહિ આવશો, પ્રિયતમે! રહો ત્યાં કે

ભરી નયન બે હું તમ વિશુદ્ધ લાવણ્યની ૩પ

અખંડ મૃદુતા તણા તટ પરે સદા યે વસી,

મમ સ્પરશથી અમી તમ કદી ડ્હોળ્યા વિના,

પ્રતિચ્છવિ સુરેખ ત્યાં મુજ સદૈવ ન્ય્હાળી રહું,

અને કઈ અધુકડાં ક્વન ગુંજી મારાં રહું.

ડિસેમ્બર, ૧૯૩૪

સ્રોત

  • પુસ્તક : આરાધના (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સર્જક : મનસુખલાલ ઝવેરી
  • પ્રકાશક : આર. આર. શેઠ
  • વર્ષ : 1939