sabarman ghoDapur joine - Metrical Poem | RekhtaGujarati

સાબરમાં ઘોડાપૂર જોઈને

sabarman ghoDapur joine

બાલમુકુન્દ દવે બાલમુકુન્દ દવે
સાબરમાં ઘોડાપૂર જોઈને
બાલમુકુન્દ દવે

આજે હે રૌદ્રરમ્યા! અભિનવ ભરતી ડોલતી મત્ત ઘેલી,

ઊંડી ઘેરી છટાએ વમળઘૂમરતાં વારિ વેગવંતાં

ફંગોળી ફીણ ઊંચે, ધસમસ ધસતાં ચંડ મોજાં ચગાવે,

જાગી તારી જવાની કવણ સ્પરશથી સાભ્ર હે ક્ષીણસ્રોતા!

કાલે તો તું કિશોરી! અબુધ તરલથી ગેલતી ખેલતી’તી,

બિલોરી ચૂંદડીમાં અણગણ ધવલાં શંખલાંછીપલાંઓ

છુપાવી, ગીત ગાતી, કલકલ કરતી ગામને વીંટળાતી,

આજે ગંભીર ગાજે, તવ ઉર-પખવાજે પડી થાપ કોની?

જાણે કો ગ્રામબાલા પિયરઘર તજી, માતની ગોદ મૂકી,

દાદાની ડેલીએથી ડગ દઈ ચડતી વ્હેલ માંહે રૂપાળી,

ધોરીડા જોતરેલી, રજતવરણના ધૂળગોટા ઉરાડી,

સીમાડો જે ગજાવે ઘમઘમ ઘૂઘરે દૂર ને દૂર જાતી.....

લંબાવી ડોક બાંકી હરિણનયનથી ખેરતી આંસુડાંઓ,

ઝાંખાં ઝાંખાં થતાં સૌ નિજ મહિયરનાં ઝાડવાં જોઈ રે’તી;

દેરાટોચે ચડેલી પ્રિય સહિયરની ટોળકી દૂર ડૂબે,

દીસે ધીરે વિલાતી ફક્ત ધ્વજ તણી કોર કંપી રહેતી:

-ને બાલા બાવરીશી પરવશ પડતી, આપમેળે તણાતી,

નેનાં ઝંખે પછાડી પલપલ પળવા, હૈયું ઝંખે અગાડી-

મીઠી, ઉદ્વેગઘેરી, ગડમથલ મચે, તેમ નીર ડોલે,

ઊંડાં, ઘેરાં, અધીરાં, પ્રિયમિલનતણા ચિત્તસંક્ષોભઝોલે!

(૩૦-૮-૪૩)

સ્રોત

  • પુસ્તક : પરિક્રમા (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સર્જક : બાલમુકુન્દ દવે
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1991
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ