ek gha - Metrical Poem | RekhtaGujarati

એક ઘા

ek gha

કલાપી કલાપી
એક ઘા
કલાપી

તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો,

છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!

રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઈ જાતાં

નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યુ તે તરફડી મરે હસ્ત મારા થી આ,

પાણી છાંટ્યું દિલ ધડકતે, તોય ઊડી શકયુ ના;

ક્યાંથી ઊઠે? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો!

ક્યાંથી ઊઠે? હૃદય કુમળું છેક તેનું અહોહો!

આહા! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,

મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?

જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,

વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.

રે રે! કિન્તુ ફરી કદી હવે પાસ મારી આવે,

આવે તોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;

રે રે! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે આવે,

લાગ્યા ઘાને વીસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય ( ભાગ-1) (પૃષ્ઠ ક્રમાંક 62)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973