awaj - Metrical Poem | RekhtaGujarati

યુગો થકી સઘન એકલતા સમું અહીં

અવાજના નગરમાં વસતો, અવાજના

મકાનમાં જરઠ હું શ્વસતો અવાજને.

અવાજનો સમય તો ગ્રસતો અવાજને,

રચ્યો, રચ્યો પ્રથમ મેં અવાજને પછી

અવાજનું નગર ચણતો ગયો ત્યહીં

થતાં ગયાં સકલ અંગ અરે અવાજનાં

અવાજને બસ તે અડકી શકે હવે.

અવાજના ગગનચુંબિત દુર્ગનો ધ્વજ

અત્યંત નિશ્ચલ કશો પ્રસરી રહે તદા

અવાજની તરડના અવકાશની ક્ષણે

ક્ષણાર્ધમાં સ્મરણ તવ મૌનનું મને

અવાજને નિકટથી સરતું લહાય, ને

જરાક જ્યાં અડકવા ચહું અંગુલી થકી

અનંત ત્યાં તડતડાટ થતો અવાજનો.

અવાજને સભય સ્વેદ વળે અવાજનો.

અવાજ મુક્ત સ્થળનાં વસનારને તને

મળાય તો મળવું મુજનેય શક્ય છે,

અવાજની અચળતા અકળાવતી, તને

મળાય તો અહીંથી ચળવુંય શક્ય છે.

અવાજના ઉદધિનો તટ તો હશે અવાજને,

હશે, હશે મરણ જેવું કૈંક તો હશે.

અવાજનું ગુપિત ક્યાંક કશે, હજારમાં

પતાળમાં ગુપિત ક્યાંક હશે અવાજનું.

કઠોર સમય શા મકરત્વચાળવા,

અવાજના ઉદરને અવ ચીરવા મથો

અવાજના પ્રખર હે નખ! તો કદાચ હું

અવાજમુક્ત સ્થળનાં વસનારને મળું,

કદાચ હું કવચિતનાં વસનારને મળું.

કદાચ હું હૃદયશીર્ણવિશીર્ણતા તણા

અવાજના ધધખતા રુધિરપ્રવાહમાં

અવાજમુક્ત સ્થળનાં વસનારને મળું....

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 294)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004