aho gaganchari! - Metrical Poem | RekhtaGujarati

અહો ગગનચારિ!

aho gaganchari!

સુન્દરમ્ સુન્દરમ્
અહો ગગનચારિ!
સુન્દરમ્

અહો ગગનચારિ! આવ, ઝડપી તું લે લે મને,

ઝુકી ગહન ગુંબજોથી તવ ઉગ્ર પંજે મને

ઉઠાવ, મુજ ભેાં-ઢળી શિથિલ મૃણ્મયી કાયને.

ભલે ત્વચ તુટો, ફુટો હૃદય, માંસમજ્જા બધું

બનો સમિધ તાહરા ઉદરઅગ્નિમાં ઉજ્જવલ,

કશું વસમું એ, વસમું માત્ર જીવવું

ધરા-તમસમાં પ્રમગ્ન મૃદભક્ષી કીટનું.

મહા ઉદર તાહરે રુધિર માંસ મજજા થશે

તવાંશ, ગગનો ઘુમંતી તવ ઊર્મિ થૈ ઘુમશે;

નથી અધિક સિદ્ધિ એથી –તવ હસ્તના મૃત્યુથી.

અહો ગગનનાથ! આવ પવનોની પાંખે ચડી,

ભલે તું લઈ આવ સાથ શત મૃત્યુ કેરી ઝડી.

(જુલાઈ, ૧૯૪૦)

સ્રોત

  • પુસ્તક : યાત્રા (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સર્જક : સુન્દરમ્
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1951