kumudchandr prempatrika - Metrical Poem | RekhtaGujarati

કુમુદચંદ્ર પ્રેમપત્રિકા

kumudchandr prempatrika

નર્મદ નર્મદ
કુમુદચંદ્ર પ્રેમપત્રિકા
નર્મદ

કવિતાવિચાર

કુમુદ

(કુંડળિયો)

રસિક કવિને જાણવો, ખરો અમર જગમાંહીં,

જેની યશરૂપ કાયને, જરાતણું ભય નાહીં.

જરાતણું ભય નાહીં, નાહીં આધિ ને વ્યાધિ,

અચળ કીર્તિ જગમાંહીં, સકળ થળમાં રહે ગાજી;

કહે કુમુદ કરજોડ, કદી શંકા નવ આણો,

રસિક કવિની કાય, અમર જગમાં જાણો.

ચંદ્ર

રસિક કવિ તે કોણ?

કુમુદ

(દોહરો)

કરી શૃંગારી વનતણો, ચંદ્ર હૃદયનો જેહ,

ચિત્ર ખરું આપે વળી, રસિક કવિ તે તેહ.

ચંદ્ર

સ્વભાવગુણ ચીતર્યા જહાં, વિદ્યા ને રીતભાત,

જગલીલા જોસ્સા તહીં, ઉત્તમ કવિતાજાત.

(અથવા)

લાડી લડાઇ લાવીને, કરી કવિતા જો હોય;

તો તો સઘળું શોભતું, રંગ રસ્તે જન જોય.

(માટે)

કુમુદ તું જો કવિતા કરે, દિલદરદ દરશાવ;

ઈશ્વરને નામે અને, વર્ણી જંનસ્વભાવ.

ચંદદિલથી કર કરમ, ધરમ ભગતીસું લાડ;

શરમ મૂકીને મૂક ભરમ, મરમ મંનના કાઢ.

કુમુદ

કવન વિષે દરશાવિયા, આપે યોગ્ય વિચાર;

માનું છું અવસરે, હું આભાર અપાર.

પાઠવી કવિતા સર્વ મેં, જેહ લખી હતી જેમ;

ભરમ નથી રાખ્યો કશો, ચંદ આણો વહેમ.

ચંદ્ર

પુરુષકવિઓ બહુ દીસે, સ્ત્રીકવિ થોડીએક;

કુમુદ કવિ ક્યારે બને, મુજ મરજી નેક.

હું ચાહું છું દિલથી, ઝટ તું સાથી થાય;

પછી તો મરજી તાહરી, ચતુરા ચેતી જાય.

હૈશ કેતકી જાણતો, ચંપા તું દેખાય;

આપે અચ્છો વાસ પણ, પાસ ભમરો જાય.

કુમુદ

સ્ત્રીકવિમાં ગણના થવા, મુજ મન મોટી આશ;

ઇશકૃપાથી તેહમાં નહિ થાઉં નિરાશ.

ઝટ સાથી કરવાતણી, છે તમ મરજી તોય;

જલદી તે થાવા વિષે, મારી કેમ હોય?

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ નર્મદ (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સંપાદક : રમણ સોની
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2023