રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆનન્દસિન્ધુ આમંત્રે સ્વયં હસ્ત ઉછાળતો,
રંગબેરંગી ઝાંચોનાં મોતીઓ વરષાવતો.
નહીં માર્ગ નહીં કેડી, દ્વાર કે દરવાન ના.
જ્યાં હો ત્યાંથી અહીં આવો. પાડ કે અહસાન ના.
દેખાતા સામસામા જડ જમિનતટો તો ય આ એક સિન્ધુ;
નોખાનોખા વસેલા મનુજ જગ પરે આપણે એક બન્ધુ.
આવો આવો પ્રજાઓ! અહિં યુગયુગનાં વૈર વામો ડંસીલાં.
સિન્ધુ સાથે મિલાવી નિજ સુર ગરવાં ગીત ગાઓ રસીલાં.
આવો ફિલ્સૂફ આવો કવિગણ રસિકો ને કલાકોવિદો યે!
ઊર્મિ, પ્રૌઢા તરંગોચલગિરિવરશા, રંગિલા બુદબુદો, ને
આ ઘેરા ઘોર ગર્ત્તો અતલ, ઉલટતા વારિઓઘો અગાધ,
ને વિસ્તારો વિશાળા, સહુ દિશ સરખા: માંહ્ય ખેલો અબાધ.
સહસ્ર સ્રોતથી ઘેલી નદી જીવનની વહે,
ઘડી શુદ્ધ ઘડી મેલી, ક્ષણે ના સરખી રહે.
તેમાં આ તટથી પેલે જતાં જન મથીમથી,
અનુકૂલ વહી આવો પ્રવાહોના જ પન્થથી.
અન્ધારાં ભેદવાને અંહિંથિ દિનકરે હસ્ત પ્હેલો ઉગામે,
વિશ્વોમાં એક ચક્રે ફરિ અતુલબલે અસ્ત એ આંહિં પામે
જીવો નિઃસંખ્ય સૌ આ અક્લ સલિલથી આદિમાં નિર્ગમે છે,
ઊંચાનીચા ફરીને સમય નિજ થતાં આંહિં આવી શમે છે.
આવો સૌ પુણ્યશાલી અમલ કરણીના પુણ્યનો આ જ આરો,
નિઃસંકોચે પધારો કલુષિત થયલા! વારિધિ આ ત્હમારો;
પ્રાર્યાશ્ચિત્તે અહીંયાં પ્રજળિ ન કરવાં દામણા દુઃખદાહે,
વામીને પાપપુણ્યોતણું મમત, રમો શુદ્ધ મુક્ત પ્રવાહે.
સુણાયે સાદ એ દેશ કાલની પાર દૂરથી,
લોકલોકતણા ઉંડા અન્તરતમ ઊરથી.
“નિત્ય એ સાદ આવે છે, સત્ય એમાં કશૂં નથી;”
“જવાશે જઈશૂં ત્યારે,” કરી કોઈ પ્રમાદથી
ગયું ના. પણ એ સિન્ધુ હજી હસ્ત ઉછાળતો,
આમંત્રે રંગબેરંગી મોતીઓ વરષાવતો.
સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 77)
- સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
- પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
- વર્ષ : 1931