jyotirdham - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જ્યોતિર્ધામ

jyotirdham

કરસનદાસ માણેક કરસનદાસ માણેક
જ્યોતિર્ધામ
કરસનદાસ માણેક

મેં ગ્રન્થોમાં જીવનપથનાં સૂચનો ખોળી જોયાં,

ને તીર્થોંનાં મલિન જળમાં હાડકાં બોળી જોયાં;

અંધારામાં દ્યુતિકિરણ એકાર્ધ યે પામવાને;

મદિરોનાં પથરપુતળાં ખૂબ ઢંઢોળી જોયાં;

સન્તોકેરા કરગરી કરી પાદ પ્રક્ષાલી જોયા;

એકાન્તોના મશહૂર ધનાગાર ઊઘાડી જોયા;

ઊંડે ઊંડે નિજમહિં સર્યો તેજકણ કામવાને,

વિશ્વે વન્દ્યા, પણ, સકલ ભન્ડાર મેં ખાલી જોયા!

ને સર્વે ગડમથલ નિહાળતાં નેણ તારાં,

વર્ષાવતાં મુજ ઉપર વાત્સલ્ય પીયૂષધારા;

તેમાં ન્હોતો રજપણ મને ખેંચવાનો પ્રયાસ,

ન્હોતાં તેમાં અવગણનનાં દુ:ખને લેશ ભાસ!

જ્યોતિ લાધે ફક્ત શિશુને એટલી ઉરકામ;

મોડી મોડી ખબર પડી, બા, તું છો જ્યોતિધામ!

*

કૌમાર્યે, બા જનકજનની ભાઈનાં મ્હાપ્રયાણો

જોઈ રોઈ, ડગી ન, ઝગી શ્રદ્ઘા, ઉઠ્યા જાગી પ્રાણો!

પીયેર્યામાં પછી હૃધ્યના સ્રોત તેં મુક્ત વાળ્યા,

દીધું સર્વે, સહજ મળિયું લીધું, ના ઉર વાળ્યાં!

ને વસ્તારી અમ કુલમહિં, બા, તું જ્યારે પધારી,

ના રાજ્ઞી થૈ, નવવધૂ બની ફક્ત સેવા સ્વીકારી!

ઈશેચ્છાએ, કુદરતતણા કાનૂને, વા અકસ્માત

આવ્યું તે સૌ સહ્યું લહ્યું તેં સર્વદા ધૈર્ય ધારી!

જ્વાળામુખી સળગી શમિયા, ભૂમિકમ્પો વહ્યા એ,

ઉત્પાતોના અમર દિસતા વિરમ્યા વાયરા યે;

સૌ વચ્ચે સ્મિતપટ થકી રોકતી નેનવારિ,

ગાન્ધારી, બા, સુણી, પણ તને રૂબરૂ મે નિહાળી!

તેં ના માર્યાં અફળ વલખાં ઇન્દ્રિયારામ માટે;

તું જીવી, બા, જીવન હરિનું જીવવા શિર સાટે!

સ્રોત

  • પુસ્તક : નવી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સંપાદક : મનસુખલાલ ઝવેરી, રમણ વકીલ
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1966
  • આવૃત્તિ : 2