bharya samandar - Metrical Poem | RekhtaGujarati

ભર્યા સમંદર

bharya samandar

રાવજી પટેલ રાવજી પટેલ
ભર્યા સમંદર
રાવજી પટેલ

ભર્યા સમંદર આંખોથી ખાલી કરવાના

હજી કેટલું જીવવાનું છે; બક્વાનું છે?

ગાલ નીચેની માટીમાં આકાશ લસરતું

સરવર જલને મળી ચૂકેલું માંસ બોલતું.

‘ભર્યા સમંદર આંખોથી ખાલી કરવાના’

જન્મ્યું શું?– રોજ ઊઠીને પૂછીએ તો ક્હે-

હજી કેટલું જીવવાનું છે; બકવાનું છે?

ગાલ નીચેની માટીમાં આકાશ લસરતું

પવન રુધિરે છણક્યો-છાતીનાં ફૂલ ખરશે

ખરશે એવું થઈને ભૂલ્યાં ગઈકાલને

યાદ કરીને ભૂલ્યાં -ભૂલ્યાં સુખ આજનાં

જન્મ્યું શું રોજ ઊઠીને પૂછીએ તો કહેઃ

‘પવન રુધિરે છણક્યો-છાતીનાં ફૂલ ખરશે'

એવું માઠું સમણું પાછું કાઢો-પાછું કાઢો.

મરવાનું છે કાલે ગીધને પાછું કાઢો, પાછું

યાદ કરીને ભૂલ્યાં પણ. સુખ આજનાં

ખરશે એવું સમજી ઝૂલ્યાં ગઈ કાલને

ઝૂલે. સરવર ઝૂલે, વાસણ ઝૂલે ઓરે!

મરવાનું છે કાલે ગીધને પાછું કાઢો, પાછું.

હજી અમે ના દીઠી કોયલ વ્હેતી; આંબો

હરતો ફરતો હજી અમે ના દીઠો, પર્વત

ઝૂલે? સરવર ઝૂલે? વાસણ ઝૂલે? ઓરે

હજી અમે ના દીઠી કોયલ વ્હેતી! આંબો

શરીરમાંથી લચક્યો ક્યારે? લળક્યો ક્યારે?

મરવાનું કાલે ગીધને પાછું કાઢો; પાછું.

હરતો ફરતો હજી અમે ના દીઠો પર્વત-

પર્વત બકાસુરનું મસ્તક થઈને વાગે!

વાગે-વહાણવટાની વાતો, ખરતું પાન આંખનું

વાગે-વાગે કન્યાની પીઠીનો પીળો પડછાયો.

હરતો ફરતો હજી અમે ના દીઠોઃ આંબો

શરીરમાંથી લળક્યો ક્યારે, લચક્યો ક્યારે?

લોહી વગરનો–માંસ વગરનો, કૈંક વગરનો.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 307)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004