રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆયુષ્યની લહરી એક વળી વિરામી;
આ કાળના ઉદધિમાં ગણના શી એની?
જન્મે મરે ક્ષણ ક્ષણે જન જ્યાં અનેક
ત્યાં જન્મનું જ ધરવું કશું રે ગુમાન?
ને મૃત્યુ જ્યાં અરવ તોય પદે અચૂક
ભૂંસી જવા પગલી રેતી પરેની સર્વ
આવી પ્રતિક્ષણ નજીક રહે છ તેમાં
શો વર્ષગાંઠ! ધરવો તુજ હર્ષ હૈયે?
ના અન્યથી લવ જુદો દિન આ; નથી આ
આજે અનન્ય કશુંયે મુજ સૃષ્ટિમાંહે;
છે સર્વ એનું બસ એ જ : તથાપિ કાં આ
કલ્લોલી ગાન રહું આ જ કૃતાર્થતાનાં?
આવ્યો ન હોત અહીં જો? મનમાં વિચારું:
તો ક્યાં મને મળત આ બધું માણવાનું?
આ નીલ નીલ નભની નિતનવ્ય શોભા,
તારા મઢેલ મધરાતની રમ્યતા આ.
આ રૂપ ને રસનું કાવ્ય વસુન્ધરાનું,
મીઠું જેને અણુઅણુ લસે સત્ત્વ સૌન્દર્ય કેરું!
એનો મારો પરિચય વધે રાતદી’ જેમ જેમ,
મારો થતો દૃઢ વધુ વધુ સ્નેહનો બંધ તેમ.
ને તેજ ને તિમિરના ધૂપછાંવ જેવું
ક્યાં માનવીનું મળવું ઉર આ રૂપાળું?
આ રુદ્ર રમ્ય મનુજીવનકેરી લીલા
ક્યાં હોત મેં નિરખી જો નવ હોત હું હ્યાં?
મારે આવ્યે થઈ વસુમતી ના ભલે લેશધન્ય,
હું તો આવી અહીં બની ગયો સર્વથા ધન્ય ધન્ય!
આજે વર્ષો પછીય દિન એ હું સ્મરું છું કૃતજ્ઞ,
જ્યારે મારાં પ્રથમ જ અહીં ઊઘડ્યા નેત્ર મુગ્ધ.
સ્રોત
- પુસ્તક : કાવ્યગુર્જરી (પૃષ્ઠ ક્રમાંક 14)
- પ્રકાશક : મધુસૂદન વૈદ્ય, આચાર્ય, મ. મા. પ્યુપિલ્સ ઓન સ્કૂલ
- વર્ષ : 1964