hans gan - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સૌંદર્યોને તજી વીસરતાં થંભવું એકવાર,

સ્નેહીઓને જગ તજી જતાં ઝંખવું એકવાર;

સંભારીને રૂદન કરવું અન્યને એકવાર-

સંગીતે જીવન તજવું હંસને એકવાર. ૧

હશે કો મૃત્યુમાંયે શું વિશ્વસંગીત સ્નેહને?

નહીં તો જીવ રે'સાતાં ગાન તે કેમ નીસરે? ર

પડ્યો પંખાળો મરૂભૂમિમહીં માનસરથી,

સુંવાળી કાયાને પ્રિય વિરહની ઝાળ દહતી;

ઢળે ઢીલી ગ્રીવા, શ્રમ-શિથિલ બે પાંખ પસરે,

વળી આંખે ઝાંખી, પણ પ્રણયનાં ચિત્ર સરે.

ઉઘાડી ચંચુથી જીવન ઝરતું ગાનમહીં એ,

સુણી થંભે મૃત્યુ, સૂરસરિતને તોડી શકે.

અધિકારી જો હો વિહગ-ઉરનાં ગાન ઝીલવાં,

વહી જાશે ડંખે રસ જગતમાં કો અવનવા. ૪

તરે પેલું ઝાંખુ નજર ભરતું દિવ્ય સર જ્યાં,

ગિરિનાં ઉછંગે પ્રભુ પ્રકૃતિ બે સાથ વસતાં;

રહી જ્યાં પોષાયો પુનિત રસથી હંસ મરતાં

ભૂલે ક્યાંથી એવી ઉરવતનની ગાઢ મમતા? પ

દેખતાં પ્રિયભૂમિ ફાટતી આંખમાંય રે!

ભૂતકાળ સહુ એને આજ પ્રત્યક્ષ થાય છે. ૬

ઉડે પુણ્યાત્માશા ધવલ અહીં હંસ શિખરે,

અને ગાતાં કેંકારવ મધુરથી માનસ ભરે;

તરે સાથે એના અમૃતશીતળાં પુણ્યજળમાં,

સુખે ગાળે દા'ડા પ્રિયસહિત રમ્ય સ્થળમાં. ૭

નહિ આહીં કોદી બક ભળી જતા માનસ-સરે,

માંસાહારીને ગહન જળનાં મૌક્તિક જરે.

પ્રભુના સંદેશા સમ વિમળ મોતીતણી હા!

હવે સાથે ચંચુ ભરી ભરી કદી લ્હાણ પણ ના. ૮

અહીંથી કો જ્યારે જગભ્રમણમાં હંસ સરતો,

પછીથી છો ને ત્યાં જળ તજી દઈ ક્ષીર ધરતો;

છતાંયે ટૂંકા વિરહ સમયે સ્નેહી ઉરનીઃ

દશા સંભારે ત્યાં ચિર વિરહીને લ્હાય બળતી. ૯

સ્મરતાં સ્નેહના હંસો, હાય! કંઠ સૂકાય છે,

છતાં ક્રૂરતા દૈવી! વળી શું જણાય છે? ૧૦

ના, ના, બાપુ, નજર કર ના, કેમ વારી શકે ના?

ક્યાંથી વારે જીગર પર જે લોહીથી કોતરેલાં?

શાને કંપે થર થર અરે! કાય ને કંઠ તારો?

મૃત્યુની વિરલ ધડીમાં સ્નેહનો દિવ્ય આરો. ૧૧

કુંળી કાયા અધઉઘડીયાં પદ્મશી હંસીની જે,

હંસે લીધી હૃદયહૂંફથી સાથમાં ઉડવાને

ચાંચે ધારી પ્રણય ઝરતી પદ્મદાંડી ઉભેલી,

કંઠે લેટી અરધી કરડે કોણ, સ્નેહઘેલી! ૧ર

ચંચુ ફાટે, સ્વર ત્રુટી જતો, ગાન થાય શાંત,

પ્રેમીની યે દહન અવધિનો હશે ક્યાંય અંતઃ

કૈં કૈં હંસો તણી ફફડતી આખરી હાય લેતી,

પ્રકૃતિની દૃઢ નિયમિતા એમની એમ વ્હેતી. ૧૩

ક્યાં માનસના હંસો, ક્યાં મરૂભૂમિ-માનવી!

જોશે, મ્હોશે કદી ગાને, રોશે ના કાળજાં દ્રવી. ૧૪

અશ્રુ-સંગીતની લ્હાણો જગને કેમ ભાવશે?

જીવતાં નહિ જાણ્યું જે, મૃત્યુમાં ક્યમ આવશે? ૧પ

સ્રોત

  • પુસ્તક : ગજેંદ્રનાં મૌક્તિકો (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2004
  • આવૃત્તિ : 2