kawiwar rawindrne - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કવિવર રવીન્દ્રને

kawiwar rawindrne

રામનારાયણ પાઠક 'શેષ' રામનારાયણ પાઠક 'શેષ'
કવિવર રવીન્દ્રને
રામનારાયણ પાઠક 'શેષ'

[વિયોગિની]

અમ પરતત્ર દેશને

જગમાં સ્થાન માન વા હતું;

નિજ માતતણાં અંગજો

ગણી અસ્પૃશ્ય બન્યા હતા સ્વયમ્.

કરવી ફરિયાદ ના ઘટે

લીધી હાથેથી માગી જે દશા!

પણ સંસ્કૃતિ પુણ્ય પૂર્વની

અમથી નિન્દિત! હા, અસહ્ય એ.

તહીં તેં ઉદિયો રવિસમો

પ્રતિભાપન્ન સહસ્ર ભર્ગથી,

તિમિરાવૃત ગૂઢ ગહ્વરો

અજવાળ્યાં વળી દીન મુખો.

ઘન થીજી ગયેલ જ્ઞાનને

વહતું ને રસરૂપ તેં કર્યું.

થઈ ઇન્દ્ર નભેથી ગર્જીને

વરસ્યો પશ્ચિમ પૂર્વ બેઉમાં.

ટહુક્યો ઉરભાવને ભરી

પૃથિવી ને પૃથિવીની પારના,

જન છો સહુ રક્ત જગતમાં

સુણવા ઉત્સુક કે તયાર ના.

કવિ તું, તું મહર્ષિ, આર્ય તું,

ગુરુ, દ્રષ્ટા વળી ભૂત ભવ્યનો;

કર્યું જીવન શુભ્ર ગાઈ તેં

કર્યું મૃત્યુય અનન્ય મંગળ,

તુજ ભૌતિક દેહના લયે

કરવો હોય મોહ શોક વા,

કહ્યું તેં પ્રકૃતિ લૈ જતી

સ્તન એકેથી વછોડીને બીજે.

પણ વત્સ! અતીવ લાડીલા

પ્રકૃતિના, થઈ પૂર્ણ તૃપ્ત તેં

જગનેય ધર્યું'તું સ્તન્ય

તવ ઉચ્છિષ્ટ, હવેય પાવે.

(૧૯૪૧)

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ રા. વિ. પાઠક (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2012