saral panth hun na chahun - Metrical Poem | RekhtaGujarati

સરલ પંથ હું ના ચહું

saral panth hun na chahun

લાભશંકર પાઠક લાભશંકર પાઠક
સરલ પંથ હું ના ચહું
લાભશંકર પાઠક

ખસો જટિલ ઝાંખરાં કુટિલ કંટકો કાંકરા,

ખસો દૂર તમે ખસો સરલ પંથ મારા કરો,

જલૌઘ ઢગ રેતના, પ્રખર શૈલશિલા તમે,

કરાલમુખ કન્દરો, પ્રગતિપંથમાંથી ખસો.

નિહાળી મુજ અંગઅંગ મૃદુ પાતળાં વામણાં,

તમે પથમહીં ધરી કડક રૉફથી ડારતાં,

અને અડગ આકરાં ગભીર રૌદ્ર બિહામણાં

ધરી સ્વરૂપ કારમાં ડગમગાવતાં દેહને.

પરન્તુ મુજ દેહમાં પ્રબલ આત્મશક્તિ વસી,

ચકાસી તમે જોરને વિજયનિશ્ચયે હસી,

‘ભલે વિઘન આવતાં વિઘન શક્તિ સાચી કસે,

કસી, સ્થગિત શક્તિને પરમ તેજ અર્પતાં.’

*

રહો જટિલ ઝાંખરાં કુટિલ કંટકો કાંકરા,

રહો સ્થિર રહો તમે સરલ પંથ હું ના ચહું

જલૌઘ ઢગરેતના, પ્રખર શૈલશિલા તમે

કરાલ મુખ કન્દરો, પ્રગતિ પંથમાંહી વસો.

સદૈવ અવરોધજો મુજ વિકાસમાર્ગો તમે,

નમી નમન છેવટે મુજ પરાક્રમે હારજો.

અમિત્ર મુજ ના તમે પરમ મિત્ર મારા ગણું,

તમે નિજશક્તિનું વિરલ ભાન આપ્યું મને.

(અંક ૧૬૯)

સ્રોત

  • પુસ્તક : કુમાર : પ્રથમ વીસીનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 72)
  • પ્રકાશક : કુમાર કાર્યાલય લિમિટેડ
  • વર્ષ : 1991