aa ae j manvi? - Metrical Poem | RekhtaGujarati

આ એ જ માનવી?

aa ae j manvi?

દેવશંકર મહેતા દેવશંકર મહેતા
આ એ જ માનવી?
દેવશંકર મહેતા

પ્રાણ, માહરા પ્રચંડ વેગથી ઊઠો, જુઓ,

અનંત આર્તનાદ દિશદિશથી ઊઠે, સૂણો;

માનવી અહીંથી હીર - સત્ત્વ એ ઊડી ગયું!

હાડ – ચામ માળખું અભાવે મૃત્યુના રહ્યું!

આ એ જ માનવી?

આ એ જ માનવી?

ધ્રુજાવતો ધરા, વીરત્વ શૌર્ય હાકથી,

વાયુને મુઝાવતો, ભરીને આભ બાથથી;

માનને મુકાવતો, પ્રતિભા વેરી ભાલથી,

પાથર્યા પ્રકાશ જ્ઞાનના બનીને સારથી.

આ એ જ માનવી?

આ એ જ માનવી?

સમંદરે ચઢી ચઢી અનંત સિદ્ધિ મેળવી,

વનો વિંધી વિંધી અપાર સમૃદ્ધિ સુકેળવી;

ગિરી-સરીતથી વહાવી સંસ્કૃતિ સમુજ્જવલા,

ધરાને ખેડી ખેડીને કરી સુગંધરા–સુમંગલા.

આ એ જ માનવી?

હા, એ જ માનવી?

નથી એ નૂર, લાલી ગાલની, રહી ન શૂરતા;

રહી છે પાંડુતા, ગતિમાં તાલ ના, છે શુષ્કતા,

શિર આ ઢળ્યું નીચું, ન જુલ્મ શું ઊંચું થતું,

ધરીને રક્તા દૌર્બલ્યતા દયાને યાચતું!

મળે ના પેટપૂર રોટી, અંગ કાજ વસ્ત્ર ના,

ન દૂધ બાલુડાંને કાજ; રક્ષવા છે શસ્ત્ર ના,

ભલે લૂંટાય પત્ની, આંખમાં રહી ન રક્તિમાં,

ભલે રીબાય માવડી, છે દેહમાંહી શક્તિ ના!

પડે છો લાત, તો ય વાત ન કશી કરી શકે!

ગુલામી છે સદી સુંવાળી હાથ શું કરી શકે?

મરી ગયો છે પ્રાણ, હામ હૈયે ના કશી રહી,

નથી એ માનવી! ન માનવીની કો નિશાં રહી!

હા, એ જ માનવી!

પ્રાણ માહરા પ્રચંડ વેગથી ઊઠો, જુઓ,

આર્તનાદ આ અનંત દિશદિશનો સૂણો,

માનવી મહીંથી હીર-સત્ત્વ સૌ ઊડી ગયું!

હાડ ચામ માળખું અભાવે મૃત્યુનાં રહ્યું!

આ એ જ માનવી?

હા, એ જ માનવી!

સ્રોત

  • પુસ્તક : કાવ્યગુર્જરી (પૃષ્ઠ ક્રમાંક 86)
  • પ્રકાશક : મધુસૂદન વૈદ્ય, આચાર્ય, મ. મા. પ્યુપિલ્સ ઓન સ્કૂલ
  • વર્ષ : 1964