gulamhoranun marashiyun - Marasiya | RekhtaGujarati

ગુલમહોરનું મરસિયું

gulamhoranun marashiyun

પારુલ ખખ્ખર પારુલ ખખ્ખર
ગુલમહોરનું મરસિયું
પારુલ ખખ્ખર

ફટ રે મૂઆ કાળ! અરે! તેં ઝાડને માર્યું!

ફટ રે કાયર! મારીમારી ને ઝાડને માર્યું!

હાય... રે મારી નીંઘલેલી મોલાતને મારી,

હાય... રે મારા છાંયડાની સોગાતને મારી,

હાય... રે મારી રાત,

મારી વાત

કે... મારી આખેઆખી જાતને મારી!

જા... રે તારું ઊધઈ ખાધું મૂળ રે’જો,

જા... રે તારું ખંધું, ખૂટલ કુળ રે’જો,

આજથી રે ધગધગ નિસાસા દઉં તને,

આજથી રે રગરગ સબાકા દઉં તને.

હાય... રે વેડી ડાળ,

વેડી ફાળ,

કે... મને માંડ મળેલી ભાળને વેડી!

અબઘડીથી રૂંવેરૂંવે કોઢિયો થાજે!

અબઘડીથી ખેતર વચ્ચે ચાડિયો થાજે!

મર્ય... રે મારાં ગુલમહોરી ગાનના વેરી,

મર્ય.. રે મારાં ફૂલગુલાબી પાનના વેરી,

મર્ય... રે વેરી કાળ,

તને દઉં ગાળ,

તેં મારી નાળ વધેરી.

હાય... રે ભૂંડાભૂખ, તને જાણ તેં મારા હાડને માર્યું!

હાય... રે નરનખ્ખોદ, તેં રાતોરાત મારા ઝાડને માર્યું!

સ્રોત

  • પુસ્તક : કરિયાવરમાં કાગળ (પૃષ્ઠ ક્રમાંક 105)
  • સર્જક : પારુલ ખખ્ખર
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2021