mae’nun - Lokgeeto | RekhtaGujarati

મે’ણું

mae’nun

મે’ણું

રૂખમણીજી કાનની સાથે બોલે મરમનાં વેણ રે,

ફર્યા કરમ મારાં પરણ્યાં પછી રે.

તમે પે’રતા ધાબળી, ને ઓઢતા કામળી રે,

વાંસ તણી વાંસળી વાતા રે.

જુવારની રાબડી પીરસતાં માવડી રે,

તે વારે ચારતા તમે ગાવડી રે.

ચીનીનાં ચલાણાં રે નો’તાં, ઉપર નો’તી ચલાણી રે,

તે વારે મરદન કરતા કોડિયે રે.

ચરૂ નો’તાં, કડાઈયાં નો’તાં, નોતી તાંબાકુંડી રે,

તે વારે તમે અંઘોળ કરતા અંઘોળિયે રે.

ચીર રે નો’તા, પટોળાં રે નો’તા, નો’તા પીતાંબર રૂડાં રે,

તે વારે પે’રતા તમે ધાબળી રે.

થાળી રે નો’તી, કચોળાં નો’તાં, વાટકા રે,

તે વારે તમે ભોજન કરતા બાજમાં રે.

શાળ રે નો’તી, દાળ રે નો’તી, ઉપર નો’તાં કઢિયલ દૂધ રે,

તે વારે તમે ભોજન કરતા રાબડી રે.

ઝારી રે નો’તી, કમંડળ નો’તાં, કળશિયા નો’તા ઉપર રે,

તે વારે તમે પાણી પીતા કરવડે રે.

પાન રે નો’તાં, સોપારી રે નો’તી, નો’તાં લવંગ એલચી રે,

તે વારે તમે મુખવાસ કરતાં પાંદડાં રે.

બાજડ નો’તા, સોગઠાં રે નો’તા, નો’તાં પરવાળી પાસાં રે,

તે વારે તમે રમતું રમતા કાંકરે રે.

ઢોલિયા નોં’તા, તળાઈયું નો’તી, ઉપર નો’તા ઓશિકાં રે,

તે વારે તમે પોઢતા સાથરે રે.

જાળી રે નો’તી, ઝરૂખા રે નો’તા, ઉપર નો’તી અગાસી રે,

તે વારે તમે બેસતા ઘરને ઓટલે રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 78)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, વસંત જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968