jhilan nhawe ne gopi hariras gay - Lokgeeto | RekhtaGujarati

ઝીલણ ન્હાવે ને ગોપી હરિરસ ગાય

jhilan nhawe ne gopi hariras gay

ઝીલણ ન્હાવે ને ગોપી હરિરસ ગાય

ઝીલણ ન્હાવે ને ગોપી હરિરસ ગાય,

કાનુડો ગોપીનો છેડલો ઘેરાય.

મેલો મેલો કાનજી અમારાં ચીર,

હું તારી બેનડીને તું મારો વીર.

કોણશ બેનડીને કોણશ વીર,

તમે ગોપીને અમે બાવલવીર.

છેડલો ફાટ્યો ને ગોપી રાવે ગઈ.

જશોદાને મંદર જઈ ઊભી રૈ.

માતા જશોદા, તમારો કાન,

નિત્ય નિત્ય મહીનાં માગે દાણ.

દાણ માંગે ને વળી લૂંટી ખાય,

એવા ગોકળિયામાં કેમ રહેવાય?

જાઓ ગોપીઓ તમારે ઘેર

કાનો આવે તો માંડું વઢવાડ્ય

સાંજ પડીને કાનો આવ્યો ઘેર્ય,

માતા જશોદાએ માંડી વઢવાડ્ય.

માતા જશોદા તમારી આણ

જુઠડી ગોપીઓ ચતુરસુજાણ

વંનમાં ચારું હું એકલો ગાય,

ચાર પાંચ ગોપીઓ ભેળી થાય.

એક આવે ને મારી ઝાલે બાંય,

બીજી આવે ને મારો મુગટ ઘેરાય.

ત્રીજી આવે ને મારી મોરલી ઘેરાય,

ચોથી આવે ને મારો ઝાલે પાય.

આવી આવી વપત્યું વનમાં થાય,

તોય માડી ગોપી રાવ કેમ ખાય ?

(કંઠસ્થ: બાજુબહેન ચૌહાણ, બુઢણા ગામ)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 77)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ