wastrahran - Lokgeeto | RekhtaGujarati

વસ્ત્રહરણ

wastrahran

વસ્ત્રહરણ

સોળ સોળ ગોપિયું ટોળે વળીને જુમને ના’વા જાય,

હોવે હોવે, જુમને ના’વા જાય; મોહન મારવાડી રે.

વસ્તર ઊતરીને આરે મેલ્યા પડ્યાં જમનાની માંય,

હોવે હોવે, પડ્યા જમનાની માંય; મોહન મારવાડી રે.

વસ્તર વિઠલો હેરી જ્યો, ને ચડ્યા કદમને ઝાડ,

હોવે હોવે, ચડ્યા કદમને ઝાડ; મોહન મારવાડી રે.

સોળ સોળ ગોપિયું ટોળે વળીને નદીએ ના’વા જાય,

હોવે હોવે, નદીએ ના’વા જાય; મોહન મારવાડી રે.

સોળ સોળ ગોપિયું વેંનવે, તમે આલો અમારાં ચીર,

હોવે હોવે, આલો અમારાં ચીર; મોહન મારવાડી રે.

ચાર-પાંચ ડગલાં આગળ વધો, ને આલું તમારાં ચીર,

હોવે હોવે, આલું તમારાં ચીર; મોહન મારવાડી જી રે.

સોળ સોળ ગોપિયું ટોળે વળીને જુમને ના’વા જાય,

હોવે હોવે, જુમને ના’વા જાય; મોહન મારવાડી જી રે.

પાર-પાંચ ડગલાં આગળ વધીએ, ને જાય અમારી લાજ,

હોવે હોવે, જાય અમારી લાજ; મોહન મારવાડી રે.

શાં શાં તમારાં લૂંગડાં, ને શાં શાં તમારાં ચીર,

હોવે હોવે, શાં શાં તમારાં ચીર; મોહન મારવાડી રે.

સોળ સોળ ગોપિયું ટોળે વળીને જુમને ના’વા જાય,

હોવે હોવે, જુમને ના’વા જાય; મોહન મારવાડી રે.

લીલા લપેટાનાં કપડાં, ને ઓઢણ હાચાં ચીર,

હોવે હોવે, ઓઢણ હાચાં ચીર; મોહન મારવાડી રે.

ફૂલ ફગરનો ઘાઘરો, ને જગ મોતીનો હાર,

હોવે હોવે, જગ મોતીનો હાર; મોહન મારવાડી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 183)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968