wachli kothinan ghaun kaDhyan re - Lokgeeto | RekhtaGujarati

વચલી કોઠીનાં ઘઉં કાઢ્યાં રે

wachli kothinan ghaun kaDhyan re

વચલી કોઠીનાં ઘઉં કાઢ્યાં રે

વચલી કોઠીનાં ઘઉં કાઢ્યાં રે, સુંદર શામળિયા!

મેં તો ઝીણેરા દળાવ્યા રે, સુંદર શામળિયા!

હું તો વાણિડાની હાટે હાલી રે, સુંદર શામળિયા!

હું તો ઘી ને ગોળ લાવી રે, સુંદર શામળિયા!

મેં તો તિના લાડુડા વળાવ્યા રે, સુંદર શામળિયા!

હું તો કુંભારવાડે હાલી રે, સુંદર શામળિયા!

મેં તો કોરી ગાગરડી લીધી રે, સુંદર શામળિયા!

મેં તો તિમાં લાડુડા ભરિયાં રે, સુંદર શામળિયા!

હું તો પાણીડાં ભરવા હલી રે, સુંદર શામળિયા!

મેં તો પાળે બેસી લાડુ ખાધા રે, સુંદર શામળિયા!

મારા નાના દિયેરિયે દીઠા રે, સુંદર શામળિયા!

દિયરિયે સાસુને સંભળાવ્યા રે, સુંદર શામળિયા!

વઉએ લાડવા ચોરી ખાધા રે, સુંદર શામળિયા!

સાસુએ સસરાને સંભળાવ્યા રે, સુંદર શામળિયા!

વઉએ લાડવા ચોરી ખાધા રે, સુંદર શામળિયા!

સાસરે ચોરે ચડી વાત કીધી રે, સુંદર શામળિયા!

ચોરે મારા મહિયરનો ઢાઢી રે, સુંદર શામળિયા!

ઢાઢી એક સંદેશો લેજે રે, સુંદર શામળિયા!

મારા વીરાને જઈ કેજે રે, સુંદર શામળિયા!

વીરા સો હાથીડાં સો ઘોડલાં રે, સુંદર શામળિયા!

વીરા પાળાનો નૈં પાર રે, સુંદર શામળિયા!

વીરા પાદર ડેરા દીધા રે, સુંદર શામળિયા!

મારી બેનીને તેડાવે રે, સુંદર શામળિયા!

બેની શું ખાધા, શું ઢોળ્યાં રે, સુંદર શામળિયા!

બેની છોયે કર્યો ભંજવાડ રે, સુંદર શામળિયા!

વીરા નથી ખાધા નથી ઢોળ્યા રે, સુંદર શામળિયા!

વીરા નથી કર્યો ભંજવાડ રે, સુંદર શામળિયા!

ઊંડી અઘેડી ઘડાવો રે, સુંદર શામળિયા!

મંઈ સૂપડું ભરી વીંછી નાખો રે, સુંદર શામળિયા!

મંઈ પાલવડા પથરાવો રે, સુંદર શામળિયા!

મારી બેનીને બેસાડો રે, સુંદર શામળિયા!

ઉપર ધૂળમાટી વળાવો રે, સુંદર શામળિયા!

બેની સોયલા છે દોયલા રે, સુંદર શામળિયા!

બેની સોયલા, ચ્યાંથી દોયલા રે, સુંદર શામળિયા!

વીરાએ પાળે ચડી પોક મેલી રે, સુંદર શામળિયા!

મારી હતી તેવી બેની લાવો રે, સુંદર શામળિયા!

તારી હતી તેવી બેની ચ્યાંથી રે, સુંદર શામળિયા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 235)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957