mari sheriyethi kankunwar aawta re - Lokgeeto | RekhtaGujarati

મારી શેરીએથી કાનકુંવર આવતા રે...

mari sheriyethi kankunwar aawta re

મારી શેરીએથી કાનકુંવર આવતા રે...

મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ,

મુખેથી મોરલી બજાવતા રે લોલ.

હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ,

ઓઢયાનાં અંબર વીસરી રે લોલ.

હું તો પાણીડાંને મસે જોવા નીસરી રે લોલ,

ઈંઢોણી ને પાટલી વીસરી રે લોલ.

સાગ રે સીસમની મારી વેલડી રે લોલ,

નવલે સુતારે ઘડી પીંજણી રે લોલ.

મેં તો ધોળાં ને ધમળો બે જોડિયા રે લોલ,

જઈને અમરાપરમાં છોડિયા રે લોલ.

અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ,

મેં તો જાણ્યું કે હરિ આંહી વસે રે લોલ.

મેં તો દૂધ ને સાકરનો શીરો કર્યો રે લોલ,

ત્રાંબાળુ ત્રાસમાં ટાઢો કર્યો રે લોલ.

હું તો જમવા બેઠી ને જીવણ સાંભર્યા રે લોલ,

કંઠેથી કોળિયે ઊતર્યો રે લોલ.

મને કાઈ રે દેખાડો દીનાનાથને રે લોલ,

કોળિયો ભરાવું જમણા હાથનો રે લોલ.

હું તો ગોંદરે તે ગાવડી છોડતી રે લેાલ,

ચારેય દશે નજર ફેરતી રે લોલ.

એક છેડેથી છેલવરને દેખિયા રે લોલ,

હરિને દેખીને ઘૂંઘટ ખોલિયા રે લોલ.

મારી ઘેલી સાસુ ને ઘેલાં સાસરાં રે લોલ,

ગાયું વરાંહે દોયાં વાછરાં રે લોલ.

મને ધાનડિયાં નથી ભાવતાં રે લોલ,

મોતડિયાં નથી આવતાં રે લોલ.

મને હીંચકતાં નવ તૂટ્યો હીંચકો રે લેાલ,

નાનાથી કાં પાયાં વખડાં રે લોલ.

મારી માતા તે મૂરખ માવડી રે લેાલ,

ઊઝેરીને શીદ કરી આવડી રે લોલ.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-1 (પૃષ્ઠ ક્રમાંક 250)
  • સંપાદક : હીરા રામનારાયણ પાઠક અને અનંતરાય રાવળ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981