duti - Lokgeeto | RekhtaGujarati

દૂતી

duti

દૂતી

ઊંચા તે વા’લાજીનાં આંગણાં, ને નીચા છે રાધાના મહેલ રે,

આંખડી આશા ભરી રે.

ઊંચેથી કાનજી લળી રિયો, એનાં નીચાં ઢળેલાં છે નેણ રે,

આંખડી આશા ભરી રે.

ઊંચે તે જોઊં હું એકલી, ને નીચાં વહે નેણોના નેહ રે,

આંખડી આશા ભરી રે.

સખી મારી તું સુણજે વાત, કાંઈ સુણજે વિયોગની વાત રે;

આંખડી આશા ભરી રે!

એક સંદેશો દે જે શ્યામને, એક ઝૂરી મરે વ્રજનાર રે;

આંખડી આશા ભરી રે!

શા શા એંધાણે ઓળખુ? કહું ઝૂરી મરે છે વ્રજનાર રે!

આંખડી આશા ભરી રે!

ઊંચા તે વા’લાજીનાં આંગણાં, ને આંગણે તે બાંધેલ ધેન રે!

આંખડી આશા ભરી રે!

શ્યામ રંગે હશે શામળા, ને એને માથે મુગટ મોર રે!

આંખડી આશા ભરી રે!

કરમાં હશે એની વાંસળી, તે મારા મનડાનો ચોર રે!

આંખડી આશા ભરી રે!

રે એંધાણીએ ઓળખી, સખી, ક’જે મનડાની વાત રે!

આંખડી આશા ભરી રે!

આજે નાખ્યું મેં એટલું, તને વાલી ગણીને વેણ રે!

આંખડી આશા ભરી રે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, જશુમતી નાનાલાલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968