tarjati deriDo - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તરજાતી દેરીડો

tarjati deriDo

તરજાતી દેરીડો

[ફરતાં ફરતાં ગાવાનો ત્રણ તાળીનો રાસડો]

આવ્યો આવ્યો દિવાળીનો દન જો,

તરજાતી દેરીડો આણે આવિઓ રે લોલ.

આવતે દેરીડે ઉલાળી છે આંખ જો,

મૂછડિયું મરડીને ડોળા ફેરવ્યા રે લોલ.

માતા તી મોરાં! રસોયું નો કરજો જો,

આજુકે આણે રે નૈ જાઉં સાસરે રે લોલ.

ઘેલાં ધેડી! ઘેલડીયાં શું બોલો જો,

પરદેશી આણાં તે પાછાં નૈ વળે રે લોલ.

દાદા તી મોરા! કાપડિયા નો તેડો જો,

આજુકે આણે રે નૈ જાઉં સાસરે રે લોલ.

***

વીરા તી મોરા! દરજીડાનો તેડો જો,

આજુકે આણે રે નૈ જાઉં સાસરે રે લોલ.

ભાભી તી મોરી માથડીયાં નો ગૂંથો જો,

આજુકે આણે રે નૈ જાઉં સાસરે રે લોલ.

***

આવી આવી સાસરિયાંની સીમ જો.

તરજાતી દેરીડે તંબૂ તાણીઆ રે લોલ.

પે’રી લ્યો ને નવરંગા ચીર જો,

આજુની રાતું રે આપણ આંહીં રયેં રે લોલ.

***

ડેલીએ બેઠા સસરાજીએ પૂછ્યું જો.

આજુકે આણે રે વઉ કેમ દૂબળાં રે લોલ.

(દેર કહે છે)

ભાભલડીને આવતો તરીઓ તાવ જો,

રાતડીએ રાતડીએ માથાં દુઃખતાં રે લોલ.

‘સાંગામાચીએ બેઠાં સાસુજીએ'

‘ઘોડલાં હાંકતા જેઠજીએ'

‘પુતર ધવરાવતાં જેઠાણીએ' સૌએ એક પછી એક પ્રશ્ન પૂછ્યો તેનો દેરે એ-નો

જૂઠો જવાબ દીધો.

***

મેડીએ ચડતાં પરણ્યેજીએ પૂછ્યું જો,

આજુકે આણે રે ગોરાંદે દુબળાં રે લોલ.

શું કરું તમારા સગા વીરાની વાત જો

તરજાતી દેરીડો આણે આવિઓ રે લોલ.

આવી આવી સાસરિયાંની સીમ જો.

તરજાતી દેરીડે તંબૂ તાણીઆ રે લોલ.

પે’રાવ્યા મને નવરંગા ચીર જો,

તેદુની રાતું તો અમે તિયાં રિયાં રે લોલ.

શું કરું મારો માડીજાયો વીર જો,

માથડીઆં વાઢીને નૈ તો દડે રમું રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 106)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ