chhappaniyanun lokgit hamirsar pale DholiDa dhrsakya - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

છપ્પનિયાનું લોકગીત - હમીરસર પાળે ઢોલીડા ધ્રસક્યા

chhappaniyanun lokgit hamirsar pale DholiDa dhrsakya

છપ્પનિયાનું લોકગીત - હમીરસર પાળે ઢોલીડા ધ્રસક્યા

હમીરસર પાળે ઢોલીડા ધ્રસક્યા,

કચ્છ કેવાણો ગરીબોની ગુજરાત રે

કચ્છ ભુજના રાજા,

ખજીના ખોલ્યાં રે, છપન સાલમાં.

દેશ રે પરદેશ વહાણો મોકલ્યા,

મગ, ચોખા ને બાજરીનો નહિ પાર રે,

કચ્છ ભુજના રાજા,

ખજીના ખોલ્યાં રે, છપન સાલમાં.

ગામે ગામે ખાણેત્રાં ખોલિયાં,

ઘણી ખમાં તુને ગરીબોના આધાર રે,

કચ્છ ભુજના રાજા,

ખજીના ખોલ્યાં રે, છપન સાલમાં.

છૂટે હાથે માથાં દીઠ પાઠવી,

લોક પોકારે જિયે રા' ખેંગારે રે,

કચ્છ ભુજના રાજા,

ખજીના ખોલ્યાં રે, છપન સાલમાં.

સોરઠ હાલાર આવી સામટી,

એક આવી ઘેલુડી ગુજરાત રે,

કચ્છ ભુજના રાજા,

ખજીના ખોલ્યાં રે, છપન સાલમાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 154)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ