tulsi baal kunwaran - Lokgeeto | RekhtaGujarati

તુલસી બાળ કુંવારાં

tulsi baal kunwaran

તુલસી બાળ કુંવારાં

સરખી સૈયરુંમાં તુલસી જળ ભરવા ગ્યાં’તાં,

સૈયરું મેણલાં બોલી રે, તુલસી બાળ કુંવારાં.

આટલી સૈયરુંમાં કોણ કોણ કુંવારું?

આટલી સૈયરુંમાં તુલસી કુંવારા રે, તુલસી બાળ કુંવારાં.

ઘરે આવીને તુલસીએ ઢોલિયો ઢાળ્યો,

તાણી પામરિયુંની સોડ્યું રે, તુલસી બાળ કુંવારાં.

કો’, કો, તુલસી દીકરી, માથાં શેં દુખ્યા?

ચ્યાં તમને કાંટડા વાગ્યા રે? તુલસી બાળ કુંવારાં.

નથી બાપા, મારાં માથાં રે દુખ્યાં,

નથી અમને કાંટા વાગ્યા રે, તુલસી બાળ કુંવારાં.

એટલી સૈયરુંમાં મેણલાં બોલ્યાં,

આટલી સૈયરુંમાં તુલસી કુંવારા રે, તુલસી બાળ કુંવારાં.

કો’તો તુલસી તમને સૂરજ વેરે પરણાવું,

ચાંદલિયો વર પરણાવું રે, તુલસી બાળ કુંવારાં.

સૂરજને તો બાપા, તેજ ઝાઝેરાં,

ચાંદલિયો જળઝાંખો રે, તુલસી બાળ કુંવારાં.

કો’તો તુલસી, તમને શિવજી પરણાવું,

હનુમાન વર વો’રી લાવું રે, તુલસી બાળ કુંવારાં.

શિવજીને તો બાપા જટા ઝાઝેરી,

હનુમાન ભર્યો તેલસિંદુર રે, તુલસી બાળ કુંવારાં.

કાશીની વાટે કરશનજી કુંવારા,

ત્યાં મારું સગપણ કરજો રે, તુલસી બાળ કુંવારાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 76)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ