sudamo - Lokgeeto | RekhtaGujarati

સુદામો

sudamo

સુદામો

સુદામો ચાલ્યા દુવારકા ગામ, મુખે રટતા રાધે શ્યામ;

અન્ન વિનાનાં બાળ ટળવળે, ને અંગ ઉપર નહિ વસ્ત્ર તમામ.

ફૂટી ને તૂટી ઝૂંપડી રેવા, ને સંપતમાં શ્રી રામ;

સુદામો ચાલ્યો દુવારકા ગામ તો રટતો રાધેશ્યામ.

અજાચક વૃતનો અધિકારી, રટતો રાધે શ્યામ;

મિત્રની પાસે માગવા જાઓ, કીધું પત્નીએ, કરી પ્રમાણ.

હું અજાચી, કદી નવ માગું, મિત્રની પાસે દામ;

સમરણ કરતાં, ધીરજ ધરતાં, સ્હાય કરે ઘનશ્યામ.

ભલે નવ માગો, મળવા જાઓ, પુરી દુવારકા ગામ;

બાળપણના છે મિત્ર તમારા, કૃષ્ણ અને બળરામ.

કાંગની પોટલી કાખમાં લીધી, તુંબડી લાકડી હાથ;

મિત્રને મળવા ચાલ્યો સુદામો, લેતો શ્રીકૃષ્ણનું નામ.

ગોમતીજીમાં સ્નાન કરીને, વળિયો ચૌટા વાટ;

પાછળ બાળકો કાંકરા મારે, તાળી પાડી, હસે તમામ.

દરવાજે જઈને ઊભો સુદામો, બોલ્યો અમૃત વાણ;

બાળપણાના મિત્ર છે મારા, કૃષ્ણ અને બળરામ.

નામ સુદામો સુણીને દોડ્યા, પોતે ત્રિલોકી નાથ;

વા’લા સુદામા, પ્યારા સુદામા, પ્રેમે ભીડી બાથ.

આઠ પટરાણી વાયુ ઢોળે, ચરણ ઝાલે જદુરાય;

બાળપણાંની વાતો કરતાં, વીતી રાતો જાય.

તાંદુલ પ્રેમે આરોગ્યાં પ્રભુએ, આપ્યાં મુક્તિ ધામ,

ધન દોલત તો આપી પ્રભુએ, ને કંચન કીધાં ધામ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, જશુમતી નાનાલાલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968