sudamaji aawya - Lokgeeto | RekhtaGujarati

સુદામાજી આવ્યા

sudamaji aawya

સુદામાજી આવ્યા

સુદામાજી આવ્યા, મિત્ર સુદામાજી આવ્યા,

આજ તો અમારાં ભાગ્ય, સુદામાજી આવ્યા!

મોહન મિત્રો મળિયા રીતે, ખુશીના પ્રસંગ પૂછ્યા પ્રીતે,

ધન ઘડી, ધન ભાગ્ય અમારૂં, કોઈને કે’વાય રે.

આજ તો અમારૂં ભાગય, સુદામાજી આવ્યા!

આંખમાંથી આંસુ ઝરે, ને વારી વારી મોઢું લુવે,

કંઠમાંથી ખોંખારો મારે, તે પાંસલિયું દેખાય રે;

આજ તો અમારાં ભાગ્ય, સુદામાજી આવ્યા!

પડેલ એવી ઝુંપડી, ને તૂટલ એવો ખાટલો,

રાંક એવાં છોકરાં, ને ગરીબડી છે નાર રે;

આજ તો અમારું ભાગ્ય, સુદામાજી આવ્યા!

પીળાં પીંતાબર પહેર્યાં વા’લે, ઓઢ્યા ઉપરણા ચાર જો,

ભાલ પર તિલક તાણ્યું, કેશરિયા કે’વાય રે;

આજ તો અમારાં ભાગ્ય, સુદામાજી આવ્યા!

અમારી ભાભી ભેટ મોકલે, એમાં અમારો ભાગ જો,

તાંદુલના વા’લે ભાગ પાડ્યા, હરખિયા છે મા’રાજ રે,

આજ તો અમારાં ભાગ્ય, સુદામાજી આવ્યા!

સુદામાજીની ખીચડી, ને વેદુરજીની ભાજી,

શવરી બાઈનાં બોર વાલા, આરોગી થયા રાજી;

આજ તો અમારાં ભાગ્ય, સુદામાજી આવ્યા!

સુદામાજીનું આખ્યાન તમે, ભાવ કરીને ગાવ જો,

ભાવ કરીને ગાય તો સે’જે વૈકુંઠ જાય રે;

આજ તો અમારાં ભાગ્ય, સુદામાજી આવ્યા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કાળીદાસ મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968